Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મિડટર્મ ઈલેક્શનમાં કઈ પાર્ટીને મળશે યંગ વોટર્સના મત?

મિડટર્મ ઈલેક્શનમાં કઈ પાર્ટીને મળશે યંગ વોટર્સના મત?

I Am Gujarat 2 days ago

મિડટર્મ ઈલેક્શનમાં યંગ વોટર્સના મત આખીય ગેમ બદલી શકે છે, એક તરફ રિપબ્લિકન પાર્ટી માટે આ ઈલેક્શન ખૂબ જ ચેલેન્જિંગ મનાઈ રહ્યું છે તેવામાં યંગ વોટર્સ કોના તરફ છે તેનો એક રસપ્રદ સરવે ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. હજુ બે વર્ષ પહેલા જ થયેલા પ્રેસિડેન્શિયલ ઈલેક્શનમાં ડેમોક્રેટ્સને સપોર્ટ કરતા યંગ વોટર્સ ની સંખ્યા 20 વર્ષના તળિયે પહોંચી ગઈ હતી જ્યારે 2026માં આ જ વોટર્સ ફરી ડેમોક્રેટ્સના સપોર્ટમાં આવતા દેખાઈ રહ્યા છે.

ન્યૂયોર્ક ટાઈમ્સ/સિએના યુનિવર્સિટીના પોલ અનુસાર મિડટર્મ ઈલેક્શનમાં 70 ટકા યંગ વોટર્સ ડેમોક્રેટિક પાર્ટીની તરફેણમાં હતા, જે 2024ના ઈલેક્શન કરતાં 15 ટકા વધારે થાય છે. 2008માં બરાક ઓબામા પ્રેસિડેન્શિયલ ઈલેક્શન લડ્યા ત્યારે યંગ વોટર્સને કારણે જ તેમને જંગી જીત મળી હતી અને હવે 2026માં પણ કંઈક આવી જ સ્થિતિનું નિર્માણ થતું કમસે કમ હાલ પૂરતું તો દેખાઈ રહ્યું છે.

ઈલેક્શન પહેલા ટ્રમ્પ સાવ કંગાળ અપ્રુવલ રેટિંગનો સામનો કરી રહ્યા છે તેવામાં 18-29 વર્ષના વોટર્સમાં તેમનું અપ્રુવલ રેટિંગ માત્ર 16 ટકા નોંધાયું છે. ન્યૂયોર્ક ટાઈમ્સમાં ભાગ લેનારા યંગસ્ટર્સે ત્યાં સુધી કહ્યું છે કે તેઓ હાલની સરકારથી એટલા હતાશ છે કે તેમને અમેરિકાના ફ્યુચરમાં વિશ્વાસ નથી રહ્યો, તેમાંય 53 ટકા લોકોએ એવો ઓપિનિયન આપ્યો હતો કે અમેરિકા એક નિષ્ફળ દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે. આમ તો અમેરિકામાં યંગસ્ટર્સમાં વોટિંગનું પ્રમાણ ઘણું ઓછું છે અને કુલ વોટર્સમાં તેમનો હિસ્સો પણ મર્યાદિત છે. જોકે, જે બેઠકો પર કાંટાની ટક્કર થવાના અણસાર છે ત્યાં ગણતરીના મતો આમથી તેમ થાય તો પણ આખીય ગેમ બદલાઈ શકે છે.

યંગ વોટર્સ સૌથી વધુ જો કોઈ બાબતને લઈને ચિંતિત હોય તો તે છે અમેરિકાની ઈકોનોમી. આ પોલમાં ભાગ લેનારા 94 ટકા વોટર્સે દેશની ઈકોનોમીની હાલત ખરાબ હોવાનું જણાવ્યું હતું, જ્યારે 86 ટકા લોકો ટ્રમ્પે જે રીતે આર્થિક બાબતોને હેન્ડલ કરી છે તેનાથી કંઈ ખાસ પ્રભાવિત નહોતા. ન્યૂયોર્ક ટાઈમ્સ સાથે વાત કરતા જ્યોર્જિયાના એક યંગ વોટરે તો ત્યાં સુધી કહી દીધું હતું કે ટ્રમ્પ કઈ રીતે દેશ ચલાવી રહ્યા છે તેના કરતા દરેક વસ્તુ કેમ આટલી મોંઘી થઈ રહી છે તે વધારે અગત્યનો મુદ્દો છે. મકાન ખરીદવાનું મુશ્કેલ થવાની સાથે ગેસની ઉંચી કિમત અને જોબ અપોર્ચ્યુનિટીઝમાં થઈ રહેલો ઘટાડો યંગસ્ટર્સ માટે સૌથી ચિંતાજનક મુદ્દા છે. જ્યોર્જિયાના આ વોટરે એવું પણ જણાવ્યું કે મેડિકલ આસિસ્ટન્ટની જોબમાં તેને કલાકના 17 ડોલર મળે છે પરંતુ આટલા પગારમાં તેના માટે ખર્ચા કાઢવા મુશ્કેલ છે અને તેની પાસે કોઈ સેવિંગ્સ પણ નથી. આ વોટરે પ્રેસિડેન્શિયલ ઈલેક્શનમાં વોટિંગ નહોતું કર્યું પરંતુ 2026માં તે ડેમોક્રેટિક કેન્ડિડેટને વોટ આપવા મક્કમ છે.

તેવી જ રીતે કેલિફોર્નિયામાં ટ્રક ચલાવતા 27 વર્ષના એક યુવકે ન્યૂયોર્ક ટાઈમ્સને એવું જણાવ્યું હતું કે 2024માં તેણે એવી આશા સાથે ટ્રમ્પને વોટ આપ્યો હતો કે તેમના પ્રેસિડેન્ટ બનવાથી અમેરિકાની ઈકોનોમીને મોટો ફાયદો થશે. જોકે, હવે તે જ્યારે પણ ગેસ સ્ટેશન પર જાય છે ત્યારે ગેસ અને ડીઝલના ભાવ જોઈને 2026માં રિપબ્લિકન પાર્ટીને વોટ આપવો કે નહીં તેને લઈને મૂંઝવણ ઉભી થાય છે. ઈકોનોમી ઉપરાંત ઈરાન વોરને લઈને પણ અમેરિકાની યંગ જનરેશન ટ્રમ્પથી નારાજ છે, આ બાબતે યંગસ્ટર્સમાં તેમનું અપ્રુવલ રેટિંગ 87 ટકા જેટલું ઉંચું નોંધાયું છે. કેટલાક વોટર્સનું એવું પણ માનવું છે કે રિપબ્લિકન્સ અમેરિકાની જનતાની હાલતની અવગણના કરી પોતે વૈભવી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે, અને ટ્રમ્પની પોલિસીને કારણે લોકોની જિંદગી વધુ મુશ્કેલ થઈ રહી છે.

યંગ વોટર્સ ભલે રિપબ્લિકન્સથી નારાજ લાગી રહ્યા હોય પરંતુ તેનો અર્થ એવો પણ નથી થતો કે તેઓ ડેમોક્રેટ્સથી પ્રભાવિત છે. ન્યૂયોર્ટ ટાઈમ્સના પોલ અનુસાર 54 ટકા યંગ વોટર્સનું માનવું છે કે ડેમોક્રેટ્સ લોકોને સ્પર્શતા મુદ્દા પર વધુ કેન્દ્રિત છે જ્યારે 41 ટકા લોકોએ એવું જણાવ્યું છે કે ડેમોક્રેટ્સ ખોટા મુદ્દા પર વધુ ધ્યાન આપે છે. અમુક યંગસ્ટર્સે આ પોલમાં એવો મત પણ વ્યક્ત કર્યો છે કે ડેમોક્રેટ્સમાં અંદરોઅંદર ટાંટિયાખેંચ ચાલી રહી છે. તો બીજી તરફ, રિપબ્લિકન પાર્ટી વિશે 77 ટકા યંગવોટર્સે એવો અભિપ્રાય આપ્યો છે કે રિપબ્લિકન્સને પબ્લિકને સ્પર્શતા મુદ્દાની કોઈ સમજ નથી અને તેઓ ડેમોક્રેટ્સની સરખામણીએ વધુ કરપ્ટ, એક્સ્ટ્રીમ અને એલિટિસ્ટ છે. શું યંગ વોટર્સની નારાજગી ટ્રમ્પને મિડટર્મમાં નડી શકે છે? આ બાબતે આપનો ઓપિનિયન કમેન્ટમાં જણાવી શકો છો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: I Am Gujarat