અમેરિકામાં મિડટર્મ ઈલેક્શનનો માહોલ બરાબરનો જામી રહ્યો છે તેવામાં હવે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ પણ પ્રચાર અભિયાનમાં ઝૂકાવતા ટ્રમ્પ પર અત્યારસુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. ઓબામા અમેરિકાના અત્યારસુધીના સૌથી લોકપ્રિય પ્રેસિડેન્ટ્સમાંના એક રહી ચૂક્યા છે, પરંતુ તેમણે ટ્રમ્પને સીધા ટાર્ગેટ કરવાનું ટાળ્યું છે. જોકે, ગત વીકેન્ડમાં ઓબામાનું કંઈક અલગ જ સ્વરૂપ જોવા મળ્યું.
ઓહાયોમાં શનિવારે એક ચૂંટણી સભા સંબોધતા ઓબામાએ ટ્રમ્પનું નામ લીધા વિના જ જણાવ્યું કે આધુનિક અમેરિકાએ આવો નેતા આજ સુધી નથી જોયો. તેમનું એવું પણ કહેવું હતું કે ટ્રમ્પની સરકારનું બે વર્ષનું શાસન અંધાધૂંધી, ક્રૂરતા અને ભ્રષ્ટાચારથી ભરપૂર રહ્યું છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટે એવો પણ દાવો કર્યો કે સરકારના ટોચના અધિકારીઓ પોતાની ફરજને લઈને ગંભીર નથી.
ઈરાન વોરનો ઉલ્લેખ કરતા ઓબામાએ એવું પણ કહ્યું કે ઈરાન સામે યુદ્ધ શરૂ કરી પ્રેસિડેન્ટે દેશને આર્થિક રીતે મોટું નુક્સાન કરાવ્યું છે. આટલેથી ના અટકતા ઓબામાએ ત્યાં સુધી કહી દીધું કે અમેરિકાના પ્રેસિડેન્ટને લોકોની જરૂરિયાત સમજવા કરતાં વ્હાઈટ હાઉસમાં રિનોવેશન પ્રોજેક્ટ્સ કરવામાં વધારે રસ છે. ટ્રમ્પની સદ્દામ હુસૈન સાથે સરખામણી કરતા ઓબામાએ એવું પણ કહ્યું કે જેમ ઈરાકના સરમુખત્યારે સોનાનો મહેલ બનાવ્યો હતો તેવી જ રીતે હાલના પ્રેસિડેન્ટ વ્હાઈટ હાઉસને શણગારી રહ્યા છે. ટ્રમ્પની સાથે તેમણે ઓહાયોના ગવર્નર પદની ચૂંટણી લડી રહેલા વિવેક રામાસ્વામીને પણ ટાર્ગેટ કરતા તેમના એડ કેમ્પેઈનની ઝાટકણી કાઢી, આ એડ કેમ્પેઈનમાં ડેમોક્રેટિક ઉમેદવારની માતાના નામે તેમને વોટ ના આપવા માટે જણાવાયું હતું. આ મામલે ઓબામાએ એવું જણાવ્યું કે ચૂંટણી જીતવા માટે રામાસ્વામી તમામ હદો પાર કરી ચૂક્યા છે. તેના પર રામાસ્વામીના કેમ્પેઈને એવી પ્રતિક્રિયા આપી કે ઓબામાએ અમેરિકાને વધુ વિભાજિત કર્યું છે.
ઓહાયો બાદ ઓબામાએ ડેટ્રોઈટમાં પણ એક સભાનું સંબોધન કર્યું. મિશિગનમાં ડૉ. અબ્દુલ-અલ-સઈદ સેનેટની ચૂંટણી લડી રહ્યા છે, જો તેઓ જીત્યા તો અમેરિકાના પહેલા મુસ્લિમ સેનેટર હશે.. પણ રિપબ્લિકન્સ તેમના મુસ્લિમ હોવાના કારણે તેમને ટાર્ગેટ કરી રહ્યા છે. સઈદ માટે પ્રચાર કરતા ઓબામાએ આડકતરી રીતે જણાવ્યું કે રિપબ્લિકન્સની મુસ્લિમ પ્રત્યેની નફરત આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છે. ઓબામા 2008 અને 2012માં પ્રેસિડેન્શિયલ ઈલેક્શન લડ્યા ત્યારે મિશિગનમાં તેમની પાર્ટીએ જીત મેળવી હતી. શનિવારે આપેલા ભાષણમાં તેમણે એ પણ કહ્યું કે જેમ રિપબ્લિકન્સ પોતાને બરાક હુસૈન ઓબામા તરીકે સંબોધીને પણ મિશિગનમાં નહોતા જીતી શક્યા તે જ રીતે આ વખતે પણ તેઓ અબ્દુલ સઈદને નહીં હરાવી શકે.
તો બીજી તરફ ટ્રમ્પે મિશિગનમાં રવિવારના રોજ એક ચૂંટણી સભાને સંબોધતા ડેમોક્રેટિક કેન્ડિડેટ અબ્દુલ સઈદને જિહાદી અને મુસ્લિમ બ્રધરહુડના મેમ્બર ગણાવ્યા. તેમણે ત્યાં સુધી કહી દીધું કે જિદાહીને સપોર્ટ કરનારાને ફ્લાઈટમાં સીટ નથી મળતી તેવામાં અમેરિકાની સેનેટમાં તેમને કોઈ સ્થાન મળવાની શક્યતા જ નથી. તેમણે ત્યાં સુધી કહી દીધું કે તેઓ અમેરિકાના એકમાત્ર એવા સેનેટર હશે કે જેમને સેનેટમાં પ્રવેશતા પહેલા મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડશે. જોકે, આ દાવા કરનારા ટ્રમ્પે સઈદ જિહાદી કે મુસ્લિમ બ્રધરહુડના મેમ્બર છે તેને લગતા કોઈ તથ્યો રજૂ નહોતા કર્યા.
મિશિગનમાં ઓબામાનો કાર્યક્રમ હતો તે જ વખતે ટ્રમ્પ પણ જ્યોર્જિયાના પેરીમાં પબ્લિક રેલી સંબોધી રહ્યા હતા જેમાં તેમણે એવો દાવો કર્યો કે ઓબામાની મિશિનગનની સભામાં કાગડાં ઉડતા હતા. ફ્લોરિડામાં શનિવારે વોટ આપતા પહેલા ટ્રમ્પે ઓબામાને એક ખરાબ પ્રેસિડેન્ટ ગણાવ્યા હતા. તેમણે 2016 અને 2024ની જીતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે જ્યારે મેં શરૂઆત કરી ત્યારે રિપબ્લિકન પાર્ટી ખૂબ જ નબળી હતી તેમ છતાંય મેં તેમને હરાવ્યા છે.
ઓબામા અને ટ્રમ્પના સંબંધો ઘણા વર્ષોથી તણાવભર્યા રહ્યા છે. ઓબામા પ્રેસિડેન્ટ હતા ત્યારે ટ્રમ્પે એવી વાત ચગાવી હતી કે તેમનો જન્મ અમેરિકામાં ના થયો હોવાથી તેઓ પ્રેસિડેન્ટ બનવાની લાયકાત નથી ધરાવતા. આ ઉપરાંત ટ્રમ્પ વારંવાર ઓબામાને તેમના આખા નામ બહાક હુસૈન ઓબામાથી સંબોધિત કરતા રહે છે. જોકે, 2025માં ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જિમી કાર્ટરની અંતિમવિધિમાં બંને નેતાઓ એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા અને ત્યારે ઓબામાએ પત્રકારો સાથે વાત કરતા એવું જણાવ્યું હતું કે તે બંને એકબીજાને ગમાડે છે, પરંતુ તેમની ફિલોસોફી અલગ છે.
મિડટર્મ ઈલેક્શનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ડેમોક્રેટિક પાર્ટીના સ્ટાર પ્રચારક તરીકે બરાક ઓબામા આક્રમક પ્રચાર કરી રહ્યા છે. આ ઈલેક્શનમાં કોંગ્રેસ અને સ્ટેટહાઉસિસ પર કબજો જમાવવા માટે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે, કેટલાક પોલ્સમાં ડેમોક્રેટિક 2024ની સરખામણીએ ઘણા મજબૂત બન્યા હોવાના પણ દાવા કરાયા છે. તો બીજી તરફ, વધતી મોંઘવારી અને ઈરાન વૉરને કારણે રિપબ્લિકન્સ ડિફેન્સિવ મોડમાં આવી ગયા હોય તેવી સ્થિતિ છે.
મિડટર્મ ઈલેક્શનમાં ટ્રમ્પ બેલેટ પર ના હોવાથી રિપબ્લિકન વોટર્સ ઓછું વોટિંગ કરે તેવી સંભાવના વચ્ચે ટ્રમ્પ પોતાની ચૂંટણી સભામાં પોતે બેલેટ પર છે તેવું માનીને રિપબ્લિકન વોટર્સને વોટિંગ કરવા માટે જણાવી રહ્યા છે. જોકે, અત્યારસુધીનું સૌથી નીચું અપ્રુવલ રેટિંગ તેમને સૌથી વધારે નડી રહ્યું છે. ટ્રમ્પ લોકોને એવી પણ અપીલ કરી રહ્યા છે કે રિપબ્લિકન્સને વોટ આપવાનો મતલબ લૉ ટેક્સ, લૉ ક્રાઈમ અને બેટર ઈકોનોમીને સપોર્ટ કરવાનો હશે. જ્યોર્જિયામાં તેમણે ફરી પોતાની સરકારના વખાણ કરતા જણાવ્યું કે અમેરિકામાં હાલ સુવર્ણ કાળ ચાલી રહ્યો છે અને દુનિયાભરની કંપનીઓ અમેરિકામાં રોકાણ કરી રહી છે.
ઓબામા અને ટ્રમ્પે શનિવારે આપેલા ભાષણનું એનાલિસિસ કરતા ન્યૂયોર્ક ટાઈમ્સે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે ટ્રમ્પની સ્પીચ હંમેશાની જેમ ખૂબ જ લાંબી હતી જ્યારે ઓબામાની સ્પીચ તેમની સરખામણીએ ટૂંકી અને મુદ્દાસર રહી. છેલ્લા દિવસોમાં એક્ટિવ થયેલા ઓબામા ટેક્સસમાં સેનેટની ચૂંટણી લડી રહેલા જેમ્સ ટેલેરિકો, ફ્લોરિડાના ગવર્નર કેન્ડિડેટ ડેવિડ જૉલી અને સ્ટેટ નોમિની એન્જી નિક્સનને પણ સપોર્ટ કરી ચૂક્યા છે. છેલ્લે શનિવારે ઓબામાએ જે સ્ટેટમાં પ્રચાર કર્યો તે ઓહાયોમાં તેઓ ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ હતા ત્યારે તેમના પક્ષની જીત થઈ હતી, પરંતુ ત્યારથી ઓહાયો રિપબ્લિકન સ્ટેટ બની રહ્યું છે. હવે જો મિડટર્મમાં આ સ્ટેટમાં ડેમોક્રેટિક પાર્ટી મજબૂત બનીને બહાર આવે તો 2028માં થનારા પ્રેસિડેન્શિયલ ઈલેક્શનમાં પણ નવાજૂની થઈ શકે છે.

