Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પાર્સલ કાંડમાં પકડાયેલા ગુજરાતી યુવક-યુવતીએ ગુનો કબૂલ્યો

પાર્સલ કાંડમાં પકડાયેલા ગુજરાતી યુવક-યુવતીએ ગુનો કબૂલ્યો

I Am Gujarat 3 days ago

મેરિકામાં પાર્સલ કાંડમાં રંગેહાથ પકડાયેલી ગુજરાતી યુવતીએ પોતાના બચાવમાં રજૂ કરેલી એક ગજબની સ્ટોરીની વિગતો પહેલીવાર બહાર આવી છે. પ્રશાંત ગજેરા અને ધારા બાવડિયા નામના આ યુવક-યુવતીની એપ્રિલ 21ના રોજ અર્કાન્સાસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ બંને પેપાલ રિફંડ સ્કેમમાં સડોવણી ધરાવતા હતા જેમાં સિનિયર સિટીઝન્સને એવું કહીને ફસાવવામાં આવતા હતા કે તેમના અકાઉન્ટમાં ભૂલથી રિફંડ જમા થયું છે જે તેમણે પરત કરવું પડશે.

પ્રશાંત અને ધારાને પકડવામાં હોમલેન્ડ સિક્યોરિટી ઈન્વેસ્ટિગેશન્સ તેમજ ટ્રાયોલોજી મિડિયા નામના એક ગ્રુપે મહત્વની ભૂમિકા ભજવી હતી જેણે વિક્ટિમ હોવાનું નાટક કરી આરોપીઓને 29,500 ડોલરનું પાર્સલ લેવા માટે બોલાવ્યાં હતાં.

ધારા અને પ્રશાંતને જેની પાસેથી પાર્સલ કલેક્ટ કરવાનું હતું તે વિક્ટિમ પણ લોકલ પોલીસનો અંડરકવર ઓફિસર હતો જેણે નકલી નોટોથી ભરેલું પાર્સલ હાથમાં પકડી રાખ્યું હતું. વિક્ટિમ પાસેથી પાર્સલ કલેક્ટ કરવામાં આવ્યું ત્યારે પોલીસ ડ્રોનથી સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહી હતી. આ પાર્સલ કલેક્ટ કરાયું ત્યારે પ્રશાંત ગાડી ચલાવી રહ્યો હતો જેણે ધારાને એક લોકેશન પર ઉતારી દીધી હતી અને પછી તે જ્યાંથી પાર્સલ પીક કરાયું હતું ત્યાં પાછો આવ્યો હતો અને પોલીસે ગણતરીના સમયમાં જ આ બંનેને પકડી લીધા હતા. તેમની પાસેથી ચાર મોબાઈલ ફોન અને મલ્ટિપલ સિમ કાર્ડ્સ મળી આવ્યા હતા. ધરપકડ બાદ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી ત્યારે પ્રશાંતે એવો દાવો કર્યો હતો કે ધારા સાથે તેની મુલાકાત આ પાર્સલ ઉઠાવાયું તેના માંડ એકાદ અઠવાડિયા પહેલા થઈ હતી અને ધારા એક પાર્સલ પીક કરવાના 300 ડોલર આપવાની હતી.

પ્રશાંતે એવી પણ કબૂલાત કરી હતી કે તે જાણતો હતો કે પાર્સલમાં ત્રીસ હજાર ડોલર કેશ છે. તો બીજી તરફ, ધારાએ પોલીસને એવું કહ્યું હતું કે તેને અમેરિકા આવ્યે ગણતરીના દિવસો જ થયા છે અને ઈન્ડિયામાં તેનો પરિવાર જોખમમાં હતો તેમજ યુએસમાં પ્રશાંત ગજેરા નામના શખસને મળવાની સૂચના આપવામાં આવી હતી. અરેસ્ટ એફિડેવિટમાં અપાયેલી વિગતો અનુસાર ધારાએ એવું પણ જણાવ્યું હતું કે તે પોતાના કપડાંના બિઝનેસ માટે અમેરિકા આવી હતી. જૂન 29ના રોજ પ્રશાંતે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો જ્યારે ધારાએ ઓગસ્ટ 17ના રોજ ગુનો કબૂલ્યા બાદ બંનેને પાંચ વર્ષની સસ્પેન્ડેડ જેલની સજા કરાઈ હતી.

પાર્સલ કાંડમાં પકડાયેલા ગુજરાતીઓ પોતાને આ અંગે કશીય જાણ ના હોવાના દાવા કરી જાતભાતની સ્ટોરી રજૂ કરતા હોય છે. ધારા બાવડિયાની જેમ અગાઉ પણ ઘણા લોકો ઈન્ડિયામાં પોતાના પરિવાર પર જોખમ હોવાથી આ કામ કરવું પડ્યું હોવાના દાવા કરી ચૂક્યા છે. એક યુવકે તો અમેરિકાની પોલીસને ગેરમાર્ગે દોરવા એવી વાર્તા કરી હતી કે પાર્સલ કલેક્ટ કરવાનું કામ સોંપનારા શખસે ઈન્ડિયામાં તેના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી પોતાને આ કામ કરવાની ફરજ પાડી હતી. ધારાએ પણ આ જ વાર્તા કરી હતી પરંતુ તેને કોઈ રાહત નથી મળી શકી. જોકે, ધારા પાર્સલ કલેક્ટ કરવા માટે જ ઈન્ડિયાથી અમેરિકા આવી હોવાના કોઈ નક્કર પુરાવા પોલીસને નહોતા મળી શક્યા અને તેને સ્ટિંગ ઓપરેશનમાં ફસાવાઈ હોવાથી તે કડક સજામાંથી બચી ગઈ હતી, બાકી આવા મોટાભાગના કેસમાં હવે અમેરિકાની કોર્ટ્સ દસથી પંદર વર્ષ જેટલી જેલની સજા કરવા લાગી છે. જોકે, અમેરિકાની કોર્ટમાં ગુનો કબૂલ કરનારાં ધારા અને પ્રશાંતનું ડિપોર્ટેશન નક્કી છે અને હવે તેમને ક્યારેય યુએસમાં પગ મૂકવા પણ નહીં મળે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: I Am Gujarat