ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા સપ્ટેમ્બર 2026નું વિઝા બુલેટિન રિલિઝ કરી દેવાયું છે. ફેમિલી સ્પોન્સરશિપ પર અમેરિકા જવા માગતા હજારો ઈન્ડિયન્સ માટે લેટેસ્ટ વિઝા બુલેટિન સામાન્ય રાહતના સમાચાર લઈને આવ્યું છે, પરંતુ તેમાં એક કેટેગરી એવી પણ છે કે જેમાં ઘણા લાંબા સમયથી કોઈ ખાસ મૂવમેન્ટ જોવા નથી મળી રહી. આ આર્ટિકલમાં આપણે સમજીશું કે કોનો અમેરિકા જવાનો ઈંતજાર થોડો ઘટ્યો છે જ્યારે કોને જરાય રાહત નથી મળી.
આર્ટિકલની શરૂઆત કરતા પહેલા ફેમિલી સ્પોન્સરશિપની અલગ-અલગ ચાર કેટેગરી વિશે જાણી લઈએ. તેમાં પહેલી F1 કેટેગરી આવે છે જેમાં યુએસ સિટીઝન્સના અનમેરિડ સંતાનોને ગ્રીન કાર્ડ મળે છે અને આ કેટેગરીમાં દર વર્ષે 23,400 ગ્રીન કાર્ડ ઈશ્યૂ કરવામાં આવે છે.
તેમાં દુનિયાના દરેક દેશો માટે સાત ટકાનો ક્વોટા ફિક્સ કરાયો હોવાથી ઈન્ડિયન્સને વર્ષો સુધી વેઈટિંગમાં રહેવું પડે છે. ત્યારબાદ F2A કેટેગરી આવે છે જેમાં ગ્રીન કાર્ડ હોલ્ડર્સ પોતાના સ્પાઉસ અને અવયસ્ક સંતાનોને અમેરિકા બોલાવી શકે છે. F2B કેટેગરીમાં પરમેનન્ટ રેસિડેન્ટ્સ પોતાના 21 વર્ષથી વધુ વય ધરાવતા અનમેરિડ સંતાનો માટે ગ્રીન કાર્ડ સ્પોન્સર કરી શકે છે જ્યારે F3 કેટેગરીમાં યુએસ સિટીઝન્સ પોતાના પરિણિત સંતાનોને ફેમિલી સાથે અમેરિકા બોલાવી શકે છે અને F4 કેટેગરીમાં અમેરિકન સિટીઝન્સ તેમના સગા ભાઈ-બહેનો માટે ગ્રીન કાર્ડ સ્પોન્સર કરી શકે છે.
હવે જો કેટેગરી પ્રમાણે ચાલી રહેલા વેઈટિંગની વાત કરીએ તો સપ્ટેમ્બર 2026ના બુલેટિન અનુસાર F1 કેટેગરીમાં જે લોકોએ 22 જાન્યુઆરી 2020 પહેલા ફાઈલ મૂકી હતી તેમને ઈમિગ્રન્ટ ઈશ્યૂ કરવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. આ કેટેગરીમાં સૌથી વધારે મૂવમેન્ટ જોવા મળી રહી છે.. જુલાઈ 2026માં ફેબ્રુઆરી 2018 પહેલા ફાઈલ મૂકનારાને ગ્રીન કાર્ડ આપવાનું શરૂ કરાયું હતું જ્યારે ઓગસ્ટ 2026માં આ વેઈટિંગ ડિસેમ્બર 2018 સુધી પહોંચ્યું હતું પરંતુ લેટેસ્ટ બુલેટિન અનુસાર તેમાં એક વર્ષનો જમ્પ જોવા મળ્યો છે. આ તો થઈ ફાઈનલ એક્શન ડેટની વાત, હવે જો આ જ કેટેગરીમાં ડેટ ફોર ફાઈલિંગની વિગતો જોવામાં આવે તો લેટેસ્ટ બુલેટિનમાં તે ફેબ્રુઆરી 2020 પહેલા જેમણે ફાઈલ મૂકી છે તેમને હવે પોતાના ડોક્યુમેન્ટ્સ સબમિટ કરાવવાના રહેશે. જુલાઈના બુલેટિનમાં આ વેઈટિંગ જાન્યુઆરી 2019 અને ઓગસ્ટમાં જૂન 2019 પર હતું જેમાં આઠ મહિનાનો જમ્પ નોંધાયો છે.
હવે F2A કેટેગરીમાં ચાલી રહેલા વેઈટિંગની વાત કરીએ તો સપ્ટેમ્બરના વિઝા બુલેટિન અનુસાર 22 ઓગસ્ટ 2026 પહેલા જેમણે ફાઈલ મૂકી છે તેમને હવે જલ્દી ઈમિગ્રન્ટ વિઝા મળી શકે છે. આ કેટેગરીમાં ડેટ ઓફ ફાઈલિંગમાં કોઈ વેઈટિંગ નથી, એટલે કે હાલમાં F2A કેટેગરીમાં જે લોકો પોતાની ફાઈલ મૂકી રહ્યા છે તેમને ડોક્યુમેન્ટ્સ જમા કરાવી દેવાના રહેશે. F2A કેટેગરીમાં છેલ્લા ત્રણ મહિનામાં સારી એવી ગતિ જોવા મળી છે.
જુલાઈથી સપ્ટેમ્બરના બુલેટિનમાં અપાયેલી માહિતી અનુસાર આ કેટેગરીમાં 01 જાન્યુઆરી 2025ની ફાઈનલ એક્શન ડેટ હતી પણ હવે તેમાં ના બરાબર વેઈટિંગ રહ્યું છે. તેવી જ રીતે F1B કેટેગરી પર નજર કરીએ તો તેમાં પણ છેલ્લા ત્રણ મહિનામાં બેકલોગ ઝડપથી ઘટી રહ્યો છે. જુલાઈ 2026ના વિઝા બુલેટિનમાં આ કેટેગરીમાં ફાઈનલ એક્શન ડેટ 22 નવેમ્બર 2017 હતી જે સપ્ટેમ્બરનાં બુલેટિનમાં ઓગસ્ટ 2019 થઈ છે, મતલબ કે આ કેટેગરીમાં છેલ્લા ત્રણ મહિનામાં વેઈટિંગમાં 21 મહિનાનો ઘટાડો નોંધાયો છે.
ફેમિલી સ્પોન્સરશિપની ત્રીજી કેટેગરી F3 છે જેમાં યુએસ સિટીઝન્સ પોતાના પરિણિત સંતાનોને તેમની ફેમિલી સાથે અમેરિકા બોલાવી શકે છે. જુલાઈ 2026ના વિઝા બુલેટિનમાં આ કેગેટરીની ફાઈનલ એક્શન ડેટ 15 એપ્રિલ 2012 હતી જ્યારે સપ્ટેમ્બર 2026ના વિઝા બુલેટિન અનુસાર F3 કેટેગરીની ફાઈનલ એક્શન ડેટ 22 ઓક્ટોબર 2014 થઈ છે. મતલબ કે છેલ્લા ત્રણ મહિનામાં આ કેટેગરીમાં અઢી વર્ષનો બેકલોગ ક્લીયર થયો છે. લેટેસ્ટ બુલેટિનમાં આ જ કેટેગરીની ડેટ ઓફ ફાઈલિંગ 01 નવેમ્બર 2014 જણાવાઈ છે, એટલે કે આ તારીખ પહેલા ફાઈલ મૂકનારા લોકોને હવે ડોક્યુમેન્ટ્સ સબમિટ કરાવવાના રહેશે.
સપ્ટેમ્બર 2026ના વિઝા બુલેટિનમાં F1, F2A, F2B અને F3 કેટેગરીમાં બેકલોગમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ F4 કેટેગરીમાં જાણે કોઈ મૂવમેન્ટ જ ના થઈ રહી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. F4 કેટેગરીમાં યુએસ સિટીઝન પોતાના સગા ભાઈ-બહેનને ફેમિલી સાથે અમેરિકા બોલાવી શકે છે, પરંતુ આ જ કેટેગરીમાં ઈન્ડિયન્સ માટે સૌથી લાંબુ વેઈટિંગ ચાલી રહ્યું છે. સપ્ટેમ્બર 2026ના વિઝા બુલેટિનમાં F4 કેટેગરીની ફાઈનલ એક્શન ડેટ 01 નવેમ્બર 2006 જણાવાઈ છે જ્યારે ડેટ ઓફ ફાઈલિંગ 15 ડિસેમ્બર 2006 છે.
હવે જો છેલ્લા ત્રણ વિઝા બુલેટિન્સ પર નજર કરીએ તો F4 કેટેગરીમાં ચાલી રહેલું વેઈટિંગ જેમનું તેમ રહ્યું છે. આ કેટેગરીમાં અમેરિકા જવા માગતા લોકોની સંખ્યા ઘણી મોટી છે, પરંતુ જાન્યુઆરી 2026ના વિઝા બુલેટિનથી લઈને સપ્ટેમ્બરના વિઝા બુલેટિન સુધી તેમાં વેઈટિંગ જરાય ઓછું નથી થઈ રહ્યું. મતલબ કે, જેમણે 01 નવેમ્બર 2006 પહેલા ફાઈલ મૂકી હતી તેમને હાલ ઈમિગ્રન્ટ વિઝા ઈશ્યૂ કરાઈ રહ્યા છે પરંતુ ત્યારપછીના હજુ સુધી વેઈટિંગમાં જ છે.
આવા કેસમાં ઘણીવાર તો એવું પણ થતું હોય છે કે વીસેક વર્ષ લાંબુ વેઈટિંગ હોવાથી ગ્રીન કાર્ડ માટે એપ્લિકેશન કરનારાનો નંબર આવે ત્યાં સુધી તેના સ્પોન્સરનું જ અવસાન થઈ ચૂક્યું હોય છે. જો સ્પોન્સરનું અવસાન થઈ જાય તો એપ્લિકન્ટની ફાઈલ પણ બંધ થઈ જાય છે, જેને ફરી ઓપન કરાવવા માટેની કાર્યવાહી ઘણી લાંબી અને અટપટી છે. જો સારો એટર્ની રોકવામાં આવે તો આ કામ થઈ શકે છે પરંતુ કામ થઈ જ જશે તેની કોઈ ગેરંટી નથી હોતી.
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને લીગલ ઈમિગ્રેશન પર પણ સખ્ત નિયંત્રણો મૂક્યા હોવાથી ગ્રીન કાર્ડનો ઈંતેજાર લંબાઈ રહ્યો છે, સાથે જ જે લોકોને ગ્રીન કાર્ડ મળી ગયા છે તેમને પણ એક યા બીજા કારણોસર ભીંસમાં લેવામાં આવી રહ્યા છે. ખાસ તો જો ગ્રીન કાર્ડ હોલ્ડરની કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી હોય મતલબ કે તેણે સામાન્ય ગુનો કર્યો હોય તો સજા ભોગવી લીધા બાદ અથવા કેસ બંધ થઈ ગયો હોય તો પણ તેની સામે કાર્યવાહી કરી શકાય છે. આવા કેસમાં હવે સિટીઝનશિપ આપવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો હોય તેવા કિસ્સા પણ વધી રહ્યા છે. તેવી જ રીતે જે ગ્રીન કાર્ડ હોલ્ડર્સ સિટીઝનશિપ માટે એલિજિબલ થઈ ગયા છે તેમને પણ લાંબા વેઈટિંગનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને નેચરલાઈઝેશનની પ્રક્રિયાને ખૂબ જ લાંબી અને અટપટી બનાવી દીધી હોવાથી ક્લીન બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોને પણ યુએસ સિટીઝન બનવા માટે લાંબો સમય રાહ જોવી પડી રહી છે.

