પોરબંદર રેલ્વે પોલીસ અને ચિલ્ડ્રન હોમની ટીમે કરી કામગીરી: શ્રમિક પરિવારે તંત્રનો માન્યો આભાર
પોરબંદર રેલ્વે પોલીસ અને ચિલ્ડ્રન હોમની ટીમે આસામના ગુમ થયેલા બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યુ હતુ.
પોરબંદર જિલ્લાનું રેલ્વે સ્ટેશન અંતિમ સ્ટેશન હોવાના કારણે અવારનવાર અન્ય જિલ્લાઓ કે રાજ્યોમાંથી ભુલા પડેલા બાળકો અહીં મળી આવતા હોય છે.આવા બાળકોને સુરક્ષિત આશ્રય આપી તેમના પરિવાર સુધી પહોંચાડવામાં રેલવે પોલીસ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સંકલિત અને સક્રિય કામગીરી કરવામાં આવે છે.તાજેતરમાં જ આસામના એક ગુમ થયેલ બાળકને તેના પરિવાર સાથે મેળવી આપી વહીવટી તંત્રએ માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પોરબંદર રેલવે સ્ટેશનપોલીસને એક બાળક મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે,આ બાળક મૂળ આસામ રાજ્યના બાકસા જિલ્લાના સીધીનાપુરનું રહેવાસી છે.રેલ્વે પોલીસ દ્વારા તાત્કાલિક બાળ કલ્યાણ સમિતિનો સંપર્ક કરી, તેમના આદેશ અનુસાર બાળકને સુરક્ષિત આશ્રય માટે 'ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ-પોરબંદર' ખાતે સોંપવામાં આવ્યું હતું.
સંસ્થામાં આશ્રય દરમિયાન કાઉન્સેલર દ્વારા બાળક સાથે આત્મીયતા કેળવી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેના સગા-સંબંધીઓ હાલ પોરબંદરના વનાણાવિસ્તારમાં આવેલી જાળ બનાવવાની ફેક્ટરીમાં મજૂરી કામ માટે સ્થાયી થયેલા છે. બાળક ત્યાંથી જ અચાનક ગુમ થઈ ગયું હતું.આ વિગતોના આધારે તંત્ર દ્વારા તાત્કાલિક બાળકના વાલીઓનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.
બાળકના વાલીઓની યોગ્ય ઓળખ અને ખરાઈની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, તમામ કાયદાકીય મંજૂરીઓ સાથે બાળકનો કબ્જો તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો.આ કામગીરીમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.કે. મોરી , જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, સી.ડબ્લ્યુ.સી. ચેરમેન કેતનભાઈ દાણી, સભ્ય સર્વ તેજશભાઈ થાનકી, કીર્તિદાબેન બાપોદરા, નેભાભાઇ ગોરસેરા, મનીષભાઇ જેઠવા અને સંસ્થાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. પોતાનું સંતાન પરત મળતા શ્રમિક પરિવારે રેલવે પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રનો હૃદયપુર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

