ધારાસભ્ય અને રાજયનાં ઉર્જામંત્રીનાં પ્રયાસોને સફળતા સોમનાથ મહાદેવ મંદિર બ્રિજથી કામનાથ બ્રિજ સુધીના પટ્ટમાં નવુ નજરાણુ બનશે
અમરેલી શહેરના સર્વાંગી વિકાસ અને શહેરી સુખાકારીમાં વધારો કરવાના સંકલ્પ સાથે, અમરેલીનાં લોકપ્રિય ધારાસભ્ય અને રાજય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાના સક્રિય પ્રયાસોને મોટી સફળતા મળી છે. અમરેલીની શાન સમાન ઠેબી નદીના કિનારે રિવરફ્રન્ટ બનાવવાના પ્રોજેકટને રાજય સરકાર ઘ્વારા સૈઘ્ધાંતિક મંજૂરીઆપવામાં આવી છે.રાજય સરકાર ઘ્વારા અગાઉ સદર પ્રોજેકટ માટે રૂા.
પ0.03 કરોડની સૈઘ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ હતી. રાજય સરકાર ઘ્વારા આ રકમમાં વધારો કરીને બીજા 60.71 કરોડ એમ કુલ રૂા. 110.74.86 કરોડની સૈઘ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે. જેના થકી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ઠેબી રિવરફ્રન્ટના કામો (ભાગ-1) હાથ ધરવામાં આવશે.
આ પ્રોજેકટ અંતર્ગત ઠેબી નદીમાં સોમનાથ મહાદેવ મંદિર બ્રિજથી કામનાથ બ્રિજ સુધીના 0.76 કિ.મી.ના વિસ્તારમાં ભવ્ય રિવરફ્રન્ટ સાકાર થશે.આ રિવરફ્રન્ટ પ્રોજેકટ સાકાર થવાથી ઠેબી નદીના કિનારા પ્રદૂષણ મુકત બનશે અને ત્યાં આધુનિક વોકિંગ ટ્રેક, ગાર્ડનિંગ, બેઠક વ્યવસ્થા અને આકર્ષક લાઈટિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ પ્રોજેકટથી સ્થાનિક નાગરિકોને હરવા-ફરવા માટે એક ઉત્તમ સ્થળ મળશે અને શહેરના પર્યાવરણમાં પણ મોટો સુધારો થશે.રાજય મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, અમરેલીના નાગરિકોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવી એ અમારી પ્રાથમિકતા છે. ઠેબી રિવરફ્રન્ટના નિર્માણથી અમરેલી વિકસીત શહેર તરીકે ઉભરી આવશે. અમરેલી વિકાસ માટે આટલી મોટી રકમની ફાળવણી થતાં જ શહેરના વેપારી મંડળો, સામાજિક અગ્રણીઓ અને નગરજનોમાં ભારે ઉતસાહ અને આનંદની લાગણી જોવા મળી રહી છે.

