Dailyhunt
અંતે રાજકોટમાં બપોરે 1થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ થયા

અંતે રાજકોટમાં બપોરે 1થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ થયા

કોર્પોરેશન અને પોલીસ તંત્રનો નિર્ણય

રાજકોટમાં આ વર્ષે માર્ચના પ્રારંભે જ આકરો તાપ શરૂ થઇ ગયો છે ત્યારે કોર્પો. અને પોલીસે સંયુકત રીતે રોજ બપોરે ભારે તડકામાં બપોરે 1 થી 4 સુધી શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રાખવા નિર્ણય કર્યો છે. શહેરમાં હાલ ઉનાળાની ઋતુ દરમિયાન તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ ઉગ્ર ગરમી રહેવાની શક્યતા છે.

શહેરના નાગરિકોના આરોગ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપતા મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ વિભાગના સંકલનથી હીટવેવ એક્શન પ્લાન અંતર્ગત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય અનુસાર, શહેરમાં વધતા તાપમાન અને ગરમીની અસરને ધ્યાનમાં રાખીને બપોરના 1 થી 4 વાગ્યા સુધી શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ સમયગાળા દરમિયાન વાહનચાલકોને ટ્રાફિક સિગ્નલ વાળા ચોકમાં ઊભા રહેવું ન પડે અને તેઓ ઉગ્ર તાપમાનના સીધા પ્રભાવથી બચી શકે. જાહેર સ્વાસ્થ્યના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલ આ નિર્ણય શહેરના નાગરિકોને ગરમીના પ્રભાવથી રાહત આપશે. આ સમય દરમિયાન ટ્રાફિકનું સંચાલન જરૂરી મુજબ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે.
ગરમીના આ દિવસોમાં પોતાની અને પોતાના પરિવારજનોની ખાસ કાળજી રાખે તથા બિનજરૂરી રીતે બહાર ન નીકળે. નાગરિકોના સહકારથી જ શહેરમાં આરોગ્ય અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવા મહાપાલિકા તંત્રએ અનુરોધ કર્યો છે.

આ રીતે કાળજી રાખો

  • બપોરના 12 થી 4 વાગ્યા દરમિયાન શક્ય હોય તેટલું બિનજરૂરી બહાર ન નીકળવું.
  • બહાર જવું જરૂરી હોય તો ટોપી, છત્રી અથવા રૂમાલથી માથું ઢાંકવું.
  • શરીરમાં પાણીની ઉણપ ન રહે તે માટે વધુ પ્રમાણમાં પાણી, છાશ, લીમડુ પાણી, નારીયેલ પાણી જેવા પ્રવાહી પીવા.
  • હળવા, ઢીલા અને હળવા રંગના કપડાં પહેરવા.
  • લાંબા સમય સુધી સીધા તડકામાં રહેવાનું ટાળવું.
  • વૃદ્ધો, નાના બાળકો અને બીમાર વ્યક્તિઓની ખાસ કાળજી રાખવી.
  • ચક્કર આવવું, માથું ભારે લાગવું, ઉલટી થવી અથવા શરીરમાં થાક લાગે તો તરત જ છાંયામાં આરામ કરી તબીબી સલાહ લેવી.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati