જવાહર મેદાન ખાતે મનોરંજન અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે શહેરીજનો માટે જવાહર મેદાન ખાતે 'જન્માષ્ટમી લોકમેળો - 2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ લોકોત્સવ તા. 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન દરરોજ સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી યોજાશે, જેનો શુભારંભ તા. 2 સપ્ટેમ્બરે સાંજે 6 કલાકે થશે.
મેળામાં દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકસાહિત્યની રમઝટ બોલશે, જેમાં બિરજુ બારોટ, ઉર્વશીબેન રાદડિયા, ભાવેશ સાંભળા અને અપેક્ષા પંડ્યા જેવા નામી કલાકારો પોતાના સૂર-તાલથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. આ ઉપરાંત, સ્વચ્છતા અને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતી રંગારંગ કૃતિઓ રજૂ કરવામાં આવશે.
યુવાનો અને બાળકો માટે આકાશને આંબતી ચકરડીઓ અને રોમાંચક રાઇડ્સ વિશેષ આકર્ષણ જમાવશે. મનપા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના અંદાજે 30,000 જેટલા ભૂલકાંઓને તા. 2 થી 7 સપ્ટેમ્બર દરમિયાન મેળામાં એક રાઇડ તદ્દન મફત કરાવવાનું ખાસ આયોજન કરાયું છે.
મેળામાં કુલ 24 જેટલા સ્ટોલ્સ ઊભા કરાશે, જેમાં સ્વાદિષ્ટ વાનગીઓ માટે ફૂડ કોર્ટ, આર્ટ-ક્રાફ્ટના કલાત્મક સ્ટોલ્સ તેમજ 'લોકલ ફોર વોકલ'ને પ્રોત્સાહન આપવા સખી મંડળની બહેનોના ગૃહઉદ્યોગ અને હસ્તકળાના સ્ટોલ્સનો સમાવેશ થાય છે. આ સાથે મનપાના વિકાસકાર્યોની પ્રદર્શની અને મેડિકલ કેમ્પ પણ યોજાશે. પૂરતી પાર્કિંગ વ્યવસ્થા અને કડક સુરક્ષા વચ્ચે મેયર ઉષાબેન તલરેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કિશન મહેતા અને ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના પદાધિકારીઓએ તમામ શહેરીજનોને પરિવાર સાથે આ મેળો માણવા ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.

