Dailyhunt
ભાવનગરના 'ગૌરવપથ' પર નિર્માણ પામશે ભવ્ય ફ્લાઈઓવર બ્રિજ

ભાવનગરના 'ગૌરવપથ' પર નિર્માણ પામશે ભવ્ય ફ્લાઈઓવર બ્રિજ

રૂ. 533 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ 4 લેન બ્રિજ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો અને કેબલ સ્ટ્રેઈડ આઇકોનિક સ્પાન ધરાવતો બ્રિજ બનશે

ભાવનગર શહેરના વિકાસની ગતિને વેગ આપવા અને નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે રાજ્યના કૃષિ મંત્રી અને ભાવનગર (પશ્ચિમ)ના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી દ્વારા કરવામાં આવેલા સતત પ્રયત્નોને મોટી સફળતા મળી છે. મંત્રીશ્રીની વ્યક્તિગત રજૂઆત અને જનહિતના કાર્યની ગંભીરતાને ધ્યાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભાવનગરના ગૌરવપથ પર દેસાઈનગરથી વરતેજ સુધીના આશરે 4.75 કિલોમીટર લંબાઈ ધરાવતા વિશાળ ફ્લાઈઓવર બ્રિજને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

દેસાઈનગરથી વરતેજ સુધીનો આ 4 લેન બ્રિજ આશરે રૂ. 533 કરોડના ખર્ચે નિર્માણ પામશે. જેમાં નારી ચોકડી ખાતે 160 મીટર સ્પાન ધરાવતો ડબલ હાઈટ કેબલ સ્ટ્રેઇડ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ બ્રિજ સમગ્ર સૌરાષ્ટ્રનો સૌથી લાંબો અને કેબલ સ્ટ્રેઈડ આઇકોનિક સ્પાન ધરાવતો આઇકોનિક બ્રિજ બનશે.
ભાવનગરમાં દેસાઈનગરથી વરતેજ સુધીના માર્ગ પર રહેણાંક વિસ્તારો અને જીઆઈડીસીના અંદાજે 31 જેટલા જંક્શનો આવે છે, જ્યાં સતત ટ્રાફિક જામ અને અકસ્માતોનો ભય રહેતો હતો. હવે આ બ્રિજ બનતા ઉપરોક્ત તમામ જંક્શનો પરથી વાહનો કોઈપણ અવરોધ વગર પસાર થઈ શકશે.
આ માર્ગ પર જીઆઈડીસી ઉપરાંત મહુવા, તળાજા, ઘોઘા અને હજીરા ફેરી સર્વિસ માટે ભારે વાહનો, ટ્રાવેલ્સ અને ટ્રાન્સપોર્ટની સતત અવરજવર રહે છે. આ બ્રિજ બનવાથી આ ઉદ્યોગોને પણ વેગ મળશે. તદુપરાંત, નારી ચોકડીથી એન્ટર થઈને આરટીઓ સુધી સીધા ટ્રાવેલ કરતા વાહનો હવે વરતેજથી જ બ્રિજ પર ચડી શકશે, જેથી સ્થાનિક રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટશે.
આ પ્રોજેક્ટને મંજૂરી મળતા મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ માર્ગ ભાવનગરના વિકાસ દ્વાર સમાન છે, જ્યાં દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યા અને ભારણ વધી રહ્યું હતું. ભાવનગરવાસીઓની લાગણીને ધ્યાને રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈને આ બાબતે હકારાત્મક વિચારણા કરવા રજૂઆત કરી હતી, જેને હકારાત્મક વાચા આપીને બ્રિજના નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
ભાવનગર શહેરને પણ રાજ્યના અને દેશના અન્ય મહાનગરોની સમકક્ષ વિકસાવવા માટે અગાઉ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ સંકલ્પ કર્યો હતો. જ્યાં, પીવાનું શુદ્ધ પાણી, ડ્રેનેજ, ગટર વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, પહોળા અને ગુણવત્તાયુક્ત રોડ, ઓવરહેડ ટેન્ક તેમજ સ્વચ્છતા જેવી તમામ બાબતોએ અન્ય મહાનગરોની બરાબર જ વિકાસ પામે. આજે મંત્રી જીતુભાઈના પ્રયત્નોથી તેમનો આ સંકલ્પ સાકાર થઈ રહ્યો છે અને સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રિજ ભાવનગરમાં નિર્માણ પામી રહ્યો છે. આ ફ્લાઈઓવર બ્રિજના નિર્માણથી ભાવનગર પશ્ચિમ વિસ્તારના વિકાસને નવી પાંખો મળશે અને લાખો વાહનચાલકોને દરરોજની હાડમારીમાંથી મુક્તિ મળશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati