ધરપકડ કરાયેલા આરોપીઓનો આંકડો 31 પર પહોંચ્યો
ભાવનગરના ચકચારી નકલી દારૂકાંડ માં સ્ટેટ મોનિટરિંગ સેલ તપાસનો ધમધમાટ ચલાવી રહી છે. નકલી દારૂ બનાવનાર અને વેચનારની સપ્લાઈ ચેઈન સુધી પહોંચવા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો કામે લાગી છે ત્યારે તપાસ એજન્સીને આ મામલે મોટી સફળતા મળી છે. ઝેરી દારૃ બનાવવા માટે દિલ્હીથી અમદાવાદ સુધી મિથેનોલ સપ્લાય કરનારા ત્રણ શખ્સને એસએમસીની ટીમે દિલ્હીથી ઝડપી લઈ ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી ભાવનગર લાવવા તજવીજ ચાલી રહી છે.
આમ, ભાવનગર લઠ્ઠાકાંડમાં કુલ આરોપીઓનો આંકડો 31 પર પહોંચ્યો છે.
ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી 13 માસૂમ લોકોના મોત અને 60થી વધુ લોકો ભોગ બનવાની હૃદયદ્રાવક ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ દુર્ઘટનાને પગલે ગેરકાયદે દારૃના કાળા કારોબારના મૂળ સુધી પહોંચવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોએ તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે. એસએમસીની 16 ટીમે આ મામલે દિલ્લી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ગુજરાતના જુદાં-જુદાં જિલ્લાઓમાં તપાસ આદરી હતી. આ કેસમાં અત્યાર સુધી 28 આરોપીઓની ધરપકડ કરી એસએમસીએ રિમાન્ડ મેળવ્યા છે. બીજી તરફ સપ્લાઈ ચેનના મૂળ સુધી પહોંચવાની કડીમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં દિલ્હીમાં રહેતા પ્રમોદકુમાર બુડાકોટી દ્વારા ઝેરી દારૃ બનાવવા મિથેનોલ દિલ્હીમાં રહેતા રોહિત પ્રધાન તથા કેશવ જાટવને ગેરકાયદેસર રીતે સપ્લાય કરવામાં આવ્યું હોવાનું પ્રસ્થાપિત થયું છે. રોહિત અને કેશવ દ્વારા અન્ય આરોપીઓ મારફત ઝેરી દારૃ બનાવવાનો મિથેનોલ ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉન, અમદાવાદ સુધી પહોંચાડવામાં આવ્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દિલ્હી પોલીસની મદદથી પ્રમોદ, રોહિત અને કેશવની ધરપકડ કરી ત્રણેયના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી ભાવનગર લાવવા પ્રક્રિયા કરવામાં આવી છે.

