Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભાવનગરનાં સરતાનપરમાં રાજયપાલનો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ

ભાવનગરનાં સરતાનપરમાં રાજયપાલનો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ

યોગ અને પ્રાણાયામને જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો કર્યો રાજ્યપાલશ્રીએ અનુરોધ

ભાવનગર તાલુકાના સરતાનપર ગામમાં ગ્રામ કલ્યાણ અભિયાન અંતર્ગત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યો હતો. વહેલી સવારે તેમણે શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને યુવાનો સાથે યોગાભ્યાસ તથા પ્રાણાયામ કરીને સ્વસ્થ જીવન માટે યોગ અને પ્રાણાયામને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો.

યોગ સત્ર દરમિયાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, યોગ ભારતના ઋષિ-મુનિઓએ સમગ્ર વિશ્વને આપેલી અમૂલ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ધરોહર છે. યોગ માત્ર કસરત નહીં, પરંતુ શરીર, મન અને આત્માના સમન્વયનું વિજ્ઞાન છે. નિયમિત યોગાભ્યાસ શરીરને નિરોગી, મનને પ્રસન્ન, બુદ્ધિને એકાગ્ર અને જીવનને સંતુલિત બનાવે છે. તેમણે જણાવ્યું કે, આજના તણાવપૂર્ણ અને દોડધામભર્યા સમયમાં યોગ અને પ્રાણાયામ વ્યક્તિને શારીરિક સ્ફૂર્તિ, માનસિક સ્થિરતા, આત્મબળ અને સકારાત્મક જીવનદૃષ્ટિ પ્રદાન કરે છે. રાજ્યપાલશ્રીએ શીતલી, અનુલોમ-વિલોમ, ભ્રામરી અને ભસ્ત્રિકા જેવા પ્રાણાયામના આરોગ્યવર્ધક લાભોની વિસ્તૃત સમજ આપી હતી. ગાયત્રી મંત્રના સામૂહિક જાપ સાથે યોગ સત્ર સમાપ્ત થયું હતું. રાજ્યપાલશ્રીએ 'ૐ'ના ઉચ્ચારનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજાવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા યોગાસનોને બિરદાવી તેમને નિયમિત યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ, શિસ્તબદ્ધ અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપતા નાગરિક બનવા પ્રેરિત કર્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati