Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભાવનગરના વળાવડ બસ સ્ટેશન પાસે   કાર ચાલકની ટક્કરે વૃદ્ધાનું કરૂણ મોત

ભાવનગરના વળાવડ બસ સ્ટેશન પાસે કાર ચાલકની ટક્કરે વૃદ્ધાનું કરૂણ મોત

ચાલક નાસી જતા શોધખોળ

ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વળાવડ ગામના બસ સ્ટેશન પાસે એક અજાણ્યા ફોરવીલ કારના ચાલકે રસ્તો ઓળંગી રહેલા એક વૃદ્ધાને જોરદાર ટક્કર મારતા આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધાનું કરુણ મોત નીપજ્યું છે.
મળતી વિગતો મુજબ પાલીતાણા તાલુકાના લોંઇચડા (નવા) ગામે રહેતા 22 વર્ષીય હીરા વ્યવસાયી વંદનભાઈ ઘનશ્યામભાઈ સોલંકીએ શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર દાદીમા સમજુબેન કોઈ કામ અર્થે વળાવડ ગામે પોતાના સબંધીના ઘરે જવા માટે નીકળ્યા હતા. તેઓ વળાવડ ગામે પહોંચ્યા બાદ બસ સ્ટેશન નજીકથી પગપાળા રોડ ક્રોસ કરી રહ્યા હતા.તે જ સમયે રોડ પર પુરપાટ ઝડપે અને માનવ જિંદગી જોખમાય તે રીતે ગફલતભરી રીતે આવી રહેલી એક ફોરવીલ ગાડી (નંબર: ૠઉં-33-ઊં-343) ના ચાલકે સમજુબેનને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે સમજુબેન રોડ પર પછડાતા તેમને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો એકઠા થઈ જતાં અજાણ્યો કાર ચાલક પોતાની ગાડી ઘટનાસ્થળે જ પડતી મૂકીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ અકસ્માત અંગેની જાણ સબંધીઓ દ્વારા ફરિયાદી વંદનભાઈને કરવામાં આવતા તેઓ તાત્કાલિક વળાવડ ગામે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેમના દાદીમા બેભાન અવસ્થામાં પડ્યા હતા. ઈજાગ્રસ્ત વૃદ્ધાને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક પ્રથમ શિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલના આઈ.સી.યુ. વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, કમનસીબે સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ સમજુબેનને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટના અંગે શિહોર પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા ફોરવીલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati