Dailyhunt
ચમ સ્કુલમાં બાલવાટિકાના વિદ્યાર્થીઓનો ગ્રેજ્યુએશન સમારોહ યોજાયો

ચમ સ્કુલમાં બાલવાટિકાના વિદ્યાર્થીઓનો ગ્રેજ્યુએશન સમારોહ યોજાયો

બાળકોના વિકાસમાં માતા-પિતા અને શિક્ષકોનું યોગદાન મહત્વનું: શિક્ષણના પ્રથમ પગથિયાની થઈ ગૌરવભેર ઉજવણી

પોરબંદરની ચમ સ્કુલ ખાતે બાલવાટિકાના વિદ્યાર્થીઓનો ગ્રેજ્યુએશન સમારોહ યોજવામાં આવ્યો હતો. બુદ્ધ પૂર્ણિમા અને ગુજરાત સ્થાપના દિવસ જેવા પાવન અને પ્રેરણાદાયી દિવસે બાલવાટિકાના નાનકડા વિદ્યાર્થીઓનો ગ્રેજ્યુએશન સમારોહ યોજાયો, જે આનંદ અને લાગણીથી ભરેલો યાદગાર ક્ષણ બની રહ્યો.

બાળકોના નિર્દોષ સ્મિત, તેમની નાની નાની સિદ્ધિઓ અને શિક્ષકોના પ્રેમભર્યા માર્ગદર્શન સાથે આ પ્રસંગ સૌના હૃદયને સ્પર્શી ગયો.કાર્યક્રમની શરૂઆત બાલવાટિકાના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત શ્લોકોના ગાન સાથે કરવામાં આવી હતી, જે સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક અને પવિત્ર બનાવી ગયું હતું.વિદ્યાર્થીઓએ સ્પષ્ટ ઉચ્ચારણ અને આત્મવિશ્વાસ સાથે શ્લોકો રજુ કરી સૌના દિલ જીતી લીધા હતા.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભાનુપ્રકાશદાસ સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા.સ્વામીજીએ પોતાના આશીર્વચનમાં બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો હતો અને માતા-પિતા તેમજ શિક્ષકોને બાળકોના ભવિષ્ય માટે સકારાત્મક માર્ગદર્શન આપવાનું મહત્વ સમજાવ્યું હતું.તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં જણાવ્યું કે,જીવનમાં સારા મુલ્યો અને સંસ્કારો સૌથી મહત્વપૂર્ણ છે.સમારોહ દરમિયાન માતા-પિતાની હાજરીએ કાર્યક્રમને વધુ ગૌરવમય બનાવ્યો હતો.આખો કાર્યક્રમ આનંદમય અને યાદગાર રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન કમલભાઈ પાંઉએ વાલીઓને ખૂબ જ હૃદયસ્પર્શી અને માર્ગદર્શક સંબોધન આપ્યું હતું. તેમણે બાળકોના ઉછેરમાં પ્રેમ, સંસ્કાર અને યોગ્ય માર્ગદર્શનનું મહત્વ સમજાવ્યું અને જણાવ્યું કે શાળા અને વાલી બંને મળીને બાળકના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે છે. તેમના સરળ પરંતુ અર્થપૂર્ણ શબ્દોએ ઉપસ્થિત તમામ વાલીઓને સ્પર્શ્યા અને બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રેરિત કર્યા.આ ગૌરવભરી ક્ષણે ગજાનન એકેડેમીના ડાયરેક્ટર કમલભાઈ પાંઉ, હિતેનભાઈ પાંઉ, હિરેનભાઈ પાંઉ શાળાના ટ્રસ્ટી હિમાબેન મસાણી, સુરજભાઈ મસાણી તેમજ આચાર્ય સુનયના ડોગરા ,એચ.ઓ.ડી. કોમલ કોઠારી તથા શિક્ષકો દ્વારા બાલવાટિકાના વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.તેમણે વિદ્યાર્થીઓના આ મહત્વપૂર્ણ પડાવને અભિનંદન આપતા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati