નેશનલ હાઇવેને બ્લોક કરવાની ફરજ પડી: ગેસ ખાલી થઈ જતા સૌને રાહત થઈ
પોરબંદર ના ઉદ્યોગ નગર માંથી સીએનજી ગેસ ભરીને કુતિયાણા તરફ જઈ રહેલા ક્ધટેનર ટ્રાન્સપોર્ટ ટ્રકમાં આજે સાંજે લીકેજ થતા દોડધામ મચી ગઈ હતી. જોકે પોરબંદર ફાયર વિભાગની સમયસૂચકતા અને ત્વરિત કાર્યવાહીને કારણે મોટી જાનહાની ટળી ગઈ હતી.
પોરબંદર ઉદ્યોગ નગર માંથી સીએનજી ગેસના સિલિન્ડર ભરીને કુતિયાણા તરફ જઈ રહેલા ક્ધટેનર ટ્રાન્સપોર્ટ ટ્રકમાં રાજકોટ નેશનલ હાઈવે પર પોરબંદરના નવા એરપોર્ટ થી અડધો કિલોમીટર દૂર ધરમપુરના પાટીયા નજીક એક સિલિન્ડરમાં થી ગેસ લીકેજ થતા દોડધામ મચી હતી.
રસ્તાને બ્લોક કરવાની ફરજ પડી હતી કોઈને ઈજા કે જાનહાની થયા નથી.
પોરબંદરથી રાજકોટ તરફ જતા નેશનલ હાઇવે પર સાંજે સી.એન.જી. ગેસ ભરેલા ક્ધટેનર ટ્રાન્સપોર્ટ ટ્રકમાં એક સિલિન્ડરમાં થી ગેસ લીકેજ થતા દોડધામ મચી ગઈ હતી. જોકે પોરબંદર ફાયર વિભાગની સમયસૂચકતા અને ત્વરિત કાર્યવાહીને કારણે મોટી જાનહાની ટળી ગઈ હતી.પોરબંદરથી રાજકોટ તરફ જઈ રહેલા ટ્રકમાં અનેક સી.એન.જી. સિલિન્ડર ભરેલા હતા. પોરબંદરના નવા એરપોર્ટ તથા ધરમપુરના પાટીયા વચ્ચે પહોંચતા ટ્રકમાં રહેલા એક સિલિન્ડરમાં અચાનક ગેસ લીકેજ શરૂ થયું હતું. આ માર્ગ નેશનલ હાઇવે હોવાથી અને સતત વાહનોની ભારે અવર-જવર રહેતી હોવાથી, કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ હતી.
ઘટનાની જાણ થતાં જ પોરબંદર ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. સલામતી અને સાવચેતીના ભાગરૂપે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા બંને બાજુના આવક-જાવકના રસ્તા તાત્કાલિક બ્લોક કરી દેવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ફાયર જવાનોએ સ્ટેન્ડબાય ડ્યુટી શરૂ
કરી હતી. સી.એન.જી. અત્યંત જ્વલનશીલ ગેસ હોવાથી કોઈ પણ નાની ચિનગારી મોટા વિસ્ફોટનું કારણ બની શકે તેમ હતી. સદનસીબે થોડી જ વારમાં લીક થઈ રહેલો સિલિન્ડર ખાલી થઈ ગયો હતો, જેથી ફાયર બ્રિગેડને પાણીનો મારો ચલાવવાની જરૂર પણ ન પડી. આગ લાગવા કે વિસ્ફોટ થવા જેવી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી.
ફાયર વિભાગ અને પોલીસની સંયુક્ત કામગીરીને કારણે નેશનલ હાઇવે પર સર્જાનાર મોટી દુર્ઘટના ટળી હતી. ગેસ ખાલી થયા બાદ રસ્તો પુન: રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો.

