ગંભીર ઈજાઓ થતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા, વધુ સારવાર માટે ખાનગીમાં લઈ જવાયા
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા નજીક બાઇક આડે અચાનક શ્વાન ઉતરી આવતા અકસ્માત સર્જાયો હતો. બાઇક સવાર વૃદ્ધ દંપતીનું બાઇક પરથી નિયંત્રણ ગુમાવતા બંને રસ્તા પર પટકાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, વૃદ્ધ દંપતી તોરણીયા તરફથી બાઇક પર ધોરાજી તરફ આવી રહ્યા હતા.
દરમિયાન રસ્તામાં અચાનક શ્વાન બાઇકની આડે આવી જતા બાઇક ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે બાઇક સવાર વૃદ્ધ દંપતી રસ્તા પર પટકાતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્મતમાં વૃદ્ધ દંપતીને ખાસ કરીને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
108 મારફતે બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ ઈજાઓ ગંભીર હોવાના કારણે બંનેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અચાનક રસ્તા પર પશુઓ આવી જવાથી વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડતું હોવાના બનાવો સામે આવતા રહે છે. ત્યારે રસ્તા પર રખડતા પશુઓના કારણે આવા અકસ્માતો ન સર્જાય તે માટે સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે.

