Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગીર સોમનાથ જિલ્લામાં ટી.બી. મુક્ત અભિયાન વેગવંતુ : સફળતાના પંથે

ગીર સોમનાથ જિલ્લામાં ટી.બી. મુક્ત અભિયાન વેગવંતુ : સફળતાના પંથે

ટી.બી.મુક્ત કામગીરીમાં સમગ્ર ઝોનમાં ગીર સોમનાથ જિલ્લો પ્રથમ ક્રમે: ગીર સોમનાથ જિલ્લામાં 174 ગ્રામ પંચાયત ટી.બી.મુક્ત જાહેર

એક સમયે અસાધ્ય ગણાતો ટી.બી.રોગ આજે રાજરોગ મટીને સામાન્ય રોગ બન્યો છે. પરંતુ શરત માત્ર એ છે કે, આ માટે યોગ્ય આહાર-વિહાર શૈલી અપનાવી અને નિયમિત રીતે ડોક્ટરના દિશાદર્શનમાં યોગ્ય દવાઓ લેવી.
સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લાને પણ ટી.બી.મુક્ત કરવા માટે અભિયાનરુપે કામગીરી કરવામાં આવી રહી છે.

જેને મોટી સફળતા મળી છે અને ગીર સોમનાથ જિલ્લાના 174 ગામો ટી.બી. મુક્ત કરી શકાયા છે.
'નિક્ષય મિત્ર' યોજના દ્વારા જિલ્લાના પ્રવર્તમાન ટી.બી.ના દર્દીઓને પોષણ કીટ સહિતની દવાઓ આપવામાં આવી રહી છે, આ ઉપરાંત ટી.બી.વિભાગ દ્વારા તેમનું નિયમિત ચેકઅપ અને ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. જેના કારણે ગીર સોમનાથ જિલ્લો ટી.બી. નિર્મૂલનની દિશામાં અગ્રેસર બન્યો છે.
આ અંગેની વિગત આપતા જિલ્લા ક્ષય અધિકારી ડો.શીતલ રામે જણાવ્યું હતું કે, જિલ્લામાં ટી.બી. નિયંત્રણ અને નિર્મૂલન માટે કરવામાં આવતી વિવિધ કામગીરીની પ્રેઝન્ટેશન ના માધ્યમથી અસરકારક રીતે રજૂઆત કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2023 થી અત્યાર સુધીમાં કલેક્ટર ના સતત સહયોગથી ટી.બી. દર્દીઓ માટે પોષણ સહાય અને અન્ય જરૂરી કામગીરીને વેગ મળ્યો છે. આ સહયોગ અંતર્ગત વાર્ષિક આશરે રૂ. 78 લાખની સહાયથી 1,200થી વધુ ટી.બી. દર્દીઓને લાભ મળી રહ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ સી.એસ.આર. કામગીરી કરતી કંપનીઓ તથા સંસ્થાઓ પણ ટી.બી. મુક્તિ અભિયાનમાં મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે. તેમના સહયોગથી દર મહિને 200 થી વધુ ટી.બી. દર્દીઓને પોષણ કીટ તેમજ આરોગ્ય કેમ્પ નો લાભ મળી રહ્યો છે. સાથે જ ધારાસભ્ય સહિતના સહયોગથી 100થી વધુ ટી.બી. દર્દીઓને ઉત્તમ કક્ષાની પોષણ કીટનો લાભ આપવામાં આવી રહ્યો છે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દોઢ વર્ષથી દરિયાઈ પટ્ટીના સમુદાયના ટી.બી. દર્દીઓને દર મહિને આશરે 3,000 કિલો રાશન પહોંચાડવામાં આવે છે, જે ટીબી દર્દીઓના પોષણ અને સારવારમાં ઉત્તમ યોગદાન બની રહ્યું છે.
ટી.બી. નિયંત્રણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ટી.બી. મુક્ત ગ્રામ પંચાયતોને દર વર્ષે જિલ્લા કલેક્ટર ના હસ્તે એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેમજ વિવિધ ઔદ્યોગિક એકમો અને સંસ્થાઓના સહયોગથી 200થી વધુ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને ટી.બી. અંગે સંદેશ આપતા ટી-શર્ટ અને ટોપીનું વિતરણ કરી ટી.બી. અંગે જનજાગૃતિ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઝોનવાઈઝ પ્રેઝન્ટેશનના મૂલ્યાંકનમાં ગીર સોમનાથ જિલ્લાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જિલ્લાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિભાગીય નાયબ નિયામક ડો. હરેશ બી. વાળા દ્વારા જિલ્લા ક્ષય અધિકારી ડો. શીતલ રામ ને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
ગીર સોમનાથ જિલ્લાની આ સિદ્ધિ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ, જિલ્લા વહીવટીતંત્ર, વિવિધ સંસ્થાઓ, સી.એસ.આર. ભાગીદારો તથા સમુદાયની સતત મહેનત અને સહયોગનું પરિણામ છે. આ સિદ્ધિથી "ટીબી મુક્ત ભારત"ના સંકલ્પને વધુ વેગ મળ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati