હળવદ શહેરના વેપારીઓ અને નગરજનો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હળવદ નગર પાલિકા દ્વારા બનાવવામાં આવેલ નગર પાલિકા કોમ્પલેક્ષને વિનિયમિત કરવા અંગે સરકારશ્રી દ્વારા મંજૂરી/હુકમ કરવામાં આવ્યો છે. હળવદ નગર પાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવેલ આ કોમ્પલેક્ષમાં કુલ 70 ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો તથા 70 ફર્સ્ટ ફ્લોરની દુકાનો, એમ કુલ 140 દુકાનો બનાવવામાં આવેલ છે.
સદર કોમ્પલેક્ષ માટે કુલ 5,435.60 ચો.મી. જમીન સરકારશ્રી દ્વારા હળવદ નગર પાલિકાને ફાળવવામાં આવેલ છે.
આ કોમ્પલેક્ષને વિનિયમિત કરવા માટેની મંજૂરી મેળવવા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તથા હળવદ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી ફોરમબેન વિશાલભાઈ રાવલ દ્વારા સતત રજૂઆતો અને પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમના પ્રયાસોના પરિણામે સરકારશ્રી દ્વારા સદર બાબતે મંજૂરી આપવામાં આવતા હળવદ શહેરના વેપારીઓ અને દુકાનધારકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી કોમ્પલેક્ષ સાથે સંકળાયેલા દુકાનધારકો ને નિયમિતતા અને વ્યવસ્થાની દિશામાં મોટી રાહત મળશે તથા હળવદ શહેરના વેપાર-વાણિજ્યને પણ વધુ વેગ મળશે.

