Dailyhunt

હળવદમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમી દ્વારા લગ્ન માટે દબાણ, બદનામ કરવાની ધમકી

દુપટો ખેંચી છેડતી કરી, સોશિયલ મીડિયા પર પરસ્પર સમજૂતીના કરારના ખોટા દસ્તાવેજ વાયરલ કર્યા

હળવદમાં એક યુવતીને એકતરફી પ્રેમમાં પડેલા યુવક દ્વારા લાંબા સમયથી હેરાનગતિ, ધમકી અને લગ્ન માટે દબાણ કરવામાં આવતું હોવાનો બનાવ સામે આવ્યો છે. આરોપી દ્વારા વારંવાર ફોન અને વોટ્સએપ મારફતે યુવતી તથા તેના પરિવારજનોને પરેશાન કરવામાં આવતા હતા.

યુવતીએ લગ્ન માટે ઈન્કાર કરતાં આરોપીએ જાહેરમાં છેડતી કરી અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, પરસ્પર સમજૂતીથી સહ વસવાટ કરારની પીડીએફ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી યુવતીને બદનામ કરી હતી. ત્યારે હાલ પીડિત યુવતીની ફરિયાદને આધારે હળવદ પોલીસે માથાભારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
હળવદ શહેરમાં એકતરફી પ્રેમમાં પડેલા યુવક દ્વારા યુવતીને લાંબા સમયથી હેરાનગતિ અને ધમકી આપવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. હાલ યુવતીની ઓળખ જાહેર ન થાય તે માટે વિગતો ગોપનીય રાખવામાં આવી છે. ત્યારે યુવતીએ હળવદ પોલીસ મથકમાં આરોપી વિકાસ પ્રેમજીભાઈ પરમાર રહે.હળવદ બસ સ્ટેશન પાછળ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, આરોપી અને ભોગ બનનાર યુવતી વચ્ચે પ્રાઇવેટ નોકરી દરમિયાન અગાઉ ઓળખાણ હતી, તે દરમિયાન વિકાસ પરમાર દ્વારા યુવતી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો, પરંતુ યુવતીએ લગ્ન કરવા ઈન્કાર કર્યા બાદ આર્ક તરફી પ્રેમી આરોપી વિકાસ દ્વારા વારંવાર ફોન અને વોટ્સએપ મારફતે સંપર્ક કરી દબાણ કરતો હતો. આરોપીએ યુવતીના પરિવારજનોને પણ ફોન કરી ધમકીઓ આપી હતી.
આ દરમિયાન યુવતીએ પરિવારજનોને વાત કરતા આરોપીના સગા અને યુવતીના સગા મળી બન્ને વચ્ચે સમાધાન થયા બાદ પણ આરોપી દ્વારા ફરી હેરાનગતિ શરૂ કરવામાં આવી હતી. આરોપીએ યુવતીના ઘરે જઈ લગ્ન માટે દબાણ કરતો તેમજ યુવતીના પિતાને પણ ધમકી આપતો હતો. આ ઉપરાંત, યુવતી નોકરીએ જતી હતી ત્યારે વિવેકાનંદ સ્કૂલ નજીક આરોપીએ જાહેરમાં તેનો દુપટો ખેંચી છેડતી કરી અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, આરોપીએ પરસ્પર સહ વસવાટના ખોટા કરારની પીડીએફ તૈયાર કરી પરિવારજનોના વોટ્સએપ પર મોકલી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. ત્યારે સમગ્ર બનાવને લઈને કંટાળી પીડિત યુવતીએ પરિવારજનો સાથે આવી હળવદ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા તજવીજ શરૂ કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati