ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીએ મહાનુભાવોએ આપી શ્રદ્ધાંજલિ
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે જામજોધપુરના કડવા પટેલ સમાજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજનબેન જીવાણી તથા જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા સહિત ના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો 'જનજાતીય ગૌરવ દિવસ' ઉજવણી કાર્યક્રમ ભવ્યતાપૂર્વક યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજ શાસનના અન્યાય અને શોષણ સામે આદિવાસી સમાજને સંગઠિત કરી પ્રકૃતિ અને જમીનના અધિકારો માટે સંઘર્ષ કર્યો હતો. તેમનું જીવન સાહસ, સ્વાભિમાન અને રાષ્ટ્રસેવાની પ્રેરણા આપે છે. જનજાતીય ગૌરવ દિવસ એ આદિવાસી સમાજના શૌર્ય, સંસ્કૃતિ અને ગૌરવશાળી વારસાને સન્માનવાનો અવસર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય, આવાસ અને રોજગાર ક્ષેત્રે અમલી વિવિધ યોજનાઓ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસમાં મહત્ત્વપૂર્ણ બની રહી છે.
કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો.વિનુભાઈ ભંડેરીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાનું જીવન સ્વાભિમાન, સંઘર્ષ અને સમાજસેવાની અખૂટ પ્રેરણા આપે છે. તેઓએ સમગ્ર આદિવાસી સમાજને એક કરી જળ, જમીન અને ઝાડને બચાવવા આંદોલન છેડ્યું હતું અને સમાજમાં જનજાગૃતિનો નવસંચાર કર્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તથા અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ, આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ અને સિદ્ધિઓની ઝાંખી દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ તેમજ વડાપ્રધાન ના વર્ચ્યુઅલ સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે કલાકારોએ આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતું મનમોહક પરંપરાગત લોકનૃત્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજનબેન જીવાણી, જિલ્લા કલેકટર પી.બી.પંડ્યા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ પરેશભાઈ હીરપરા, જામજોધપુર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કંચનબેન ગૌસ્વામી, પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરીયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, અગ્રણી ભવાનભાઈ ચૌહાણ, પ્રાંત અધિકારી એસ.જે.અસવાર તથા શ્રી બારડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિરલ માકડિયા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ-પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

