સાયબર ક્રાઈમની તપાસમાં પાંચ આરોપીઓ ઝડપાયા
જામનગરની જિલ્લા જેલમાં મોબાઈલ ફોન ના ઉપયોગ નું વધુ એક વખત નેટવર્ક જામનગર સાઈબર ક્રાઇમ સેલની ટીમ પકડી પાડયું છે. જામનગરની જિલ્લા જેલમાંથી મળી આવેલા મોબાઈલ ફોનની કોલ ડીટેઇલ ના માધ્યમથી તપાસ બાદ પાંચ આરોપીઓ ના નામ ખુલ્યા હોવાથી પોલીસે પાંચ આરોપીઓની અટકાયત કરી લઈ સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
જામનગર ના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને જિલ્લા જેલમાં ગેરકાયદેસર રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરનાર આરોપીઓ સામે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર જિલ્લા જેલમાં જડતી દરમિયાન બિનવારસુ મોબાઈલ ફોન મળી આવ્યા બાદ જામનગર સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022 તથા વર્ષ 2026માં અલગ-અલગ ગુનાઓ નોંધાયા હતા. આ ગુનાઓની તપાસ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આઈ. એ. ઘાસુરા એ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન સાયબર ટીમે ટેક્નિકલ માહિતી એકત્રિત કરીને તેનું વિશ્લેષણ કર્યું હતું. તપાસમાં જિલ્લા જેલમાં રહેલા કેટલાક કેદીઓ ગેરકાયદેસર રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાનું સામે આવતાં તેમનો જેલમાંથી કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ વિરુદ્ધ પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
જામનગરની જેલમાં રહેલા સાજીદભાઈ હારૂનભાઈ મુસાભાઈ મલેક , નવાઝ જુમાભાઈ ઓસમાણભાઈ દેથા , ઉબેદુલ્લા ઉર્ફે ઉબેદ અબ્દુલભાઈ ઓસમાણભાઈ કોરડીયા , જાફર સીદીકભાઈ નુરમામદભાઈ જુણેજા , અને જાહિર મહમદરફીકભાઈ હુશેનભાઈ સંધવાણી ની અટકાયત કરી લઈ તેઓનીષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે, જ્યારે આ મોબાઇલ નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે, તે અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે.
સાયબર ક્રાઈમ પોલીસે જણાવ્યું છે કે જિલ્લા જેલમાં મોબાઈલ ફોનના ગેરકાયદેસર ઉપયોગને સંપૂર્ણપણે અટકાવવા માટે આગળ પણ ટેક્નિકલ સર્વેલન્સ અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.
