બિમાર સાત પશુને સારવારમાં ખસેડાયા
જામનગર તાલુકાના જગા ગામમાં ફૂડ પોઈઝનિંગ ની ઘટનામાં 46 ઘેટાં અને બકરાં ના મોત નીપજતાં માલધારી પરિવારમાં ચિંતા ફેલાઈ છે. ઘટના ની જાણ થતાં પશુરોગ સંશોધન એકમ-જામનગર અને પશુપાલન વિભાગ ની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. જગા ગામના નારણભાઈ લીંબાભાઈ ઠુંગા ના 21 ઘેટાં અને 4 બકરાં મળી કુલ 25 પશુઓના મોત થયા છે.
જ્યારે મચ્છાભાઈ નારણભાઈ ઠુંગા ના 18 ઘેટાં અને 3 બકરાં મળી કુલ 21 પશુઓના મોત થયા છે. આમ બંને માલિકો ના મળી કુલ 46 પશુઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત હાલમાં નારણભાઈના 2 ઘેટાં તેમજ મચ્છાભાઈના 4 ઘેટાં અને 1 બકરું મળી કુલ 7 પશુઓ બીમાર હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. પશુરોગ સંશોધન એકમ-જામનગર તથા પશુપાલન વિભાગની ટીમે મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ કરીને અને પશુઓની હિસ્ટ્રીના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પશુઓના મોત ફૂડ પોઈઝનિંગના કારણે થયા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. વિભાગ દ્વારા બંને માલિકોના તમામ જીવિત પશુઓની સારવાર શરૂ કરવામાં આવી છે, તેમજ જરૂરી દવાઓ અને તકેદારીના પગલાં લેવામાં આવ્યા હોવાનું જામનગરના પશુચિકિત્સક ડો. તેજસ શુક્લ એ જણાવ્યું છે.

