ભાવનગર મંડળની મોટી જાહેરાત: રેલ્વે સ્ટેશન પર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરાશે
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મુસાફરોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જેતલસર રેલવે સ્ટેશનના વ્યાપક નવીનીકરણ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંડળ રેલવે પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે 16.32 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 થી 3 ને જોડતા જૂના ફૂટ ઓવર બ્રિજનું સફળતાપૂર્વક વિસ્તરણ કરીને હવે તેને પ્લેટફોર્મ નંબર 4/5 સુધી લંબાવવામાં આવ્યો છે.
16 માર્ચ, 2026થી આ વિસ્તૃત બ્રિજ મુસાફરો માટે ખુલ્લો મૂકવામાં આવતા પ્લેટફોર્મ બદલવામાં સરળતા અને સુરક્ષા વધી છે.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેશન પર સ્ટેશન બિલ્ડિંગના આગળના ભાગનું આધુનિક લુક સાથે સૌંદર્યીકરણ અને નવું પ્રસ્થાન/આગમન પ્લાઝા,પ્લેટફોર્મ નંબર 2/3 પર ચાલતા વેઇટિંગ રૂમ, આરપીએફ પોસ્ટ અને લોબીને પ્લેટફોર્મ 1 પર નવનિર્મિત આધુનિક બિલ્ડિંગમાં ખસેડાશે,વિવિધ પ્લેટફોર્મ પર નવા કવર શેડ નાખવામાં આવશે તથા કર્મચારીઓ માટે અલગ રૂમની વ્યવસ્થા ઉભી કરાશે, પ્લેટફોર્મ 2 અને 3 પર ઇલેક્ટ્રોનિક કોચ ગાઇડન્સ સિસ્ટમ લગાવવામાં આવશે, જેથી મુસાફરોને ટ્રેનના ડબ્બા શોધવામાં સરળતા રહે આ તમામ કામગીરી પૂર્ણ થયા બાદ જેતલસર સ્ટેશન માત્ર આધુનિક જ નહીં, પણ મુસાફરો માટે વધુ સુરક્ષિત અને સુવિધાજનક બનશે. આ વિકાસ કાર્યથી સમગ્ર વિસ્તારના રેલવે માળખાને નવી મજબૂતી મળશે.

