ખાણ-ખનીજ અધિકારીની ફરજમાં રૂકાવટ કરનાર વિજચોર સાબિત થતા કાર્યવાહી
જામનગર જિલ્લા પોલીસ અને ધ્રોલ રૂરલ પીજીવીસીએલની સંયુક્ત કાર્યવાહીમાં ખાણ-ખનીજ વિભાગના અધિકારીની ફરજમાં રૂકાવટ કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીના રહેણાંક મકાનેથી આશરે રૂ. 3.80 લાખની વીજચોરી ઝડપાઈ છે.
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈની ના માર્ગદર્શન હેઠળ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
તે અનુસંધાને જોડિયા પોલીસ અને ધ્રોલ રૂરલ પીજીવીસીએલની ટીમે સંયુક્ત ચકાસણી હાથ ધરી હતી.
આ કાર્યવાહી દરમિયાન જોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખાણ-ખનીજ વિભાગના અધિકારીની ફરજમાં રૂકાવટના ગુનાના આરોપી રઝાકભાઈ ઉર્ફે એઝાઝ સુમારભાઈ ઝખરા, રહે. ધ્રાંગડા ગામ, તા. જી. જામનગર ના રહેણાંક મકાનમાં તપાસ કરવામાં આવી હતી.
ધ્રોલ રૂરલ પીજીવીસીએલની ટીમે તપાસ દરમિયાન આરોપીના મકાનમાં ગેરકાયદેસર રીતે વીજચોરી થતી હોવાનું શોધી કાઢ્યું હતું. જેના આધારે પીજીવીસીએલ દ્વારા આશરે રૂ. 3.80 લાખ નો દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરીને વીજ મીટર ઉતારી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ગુનાહિત ષડયંત્ર સંબંધિત ગુનો નોંધાઈ ચૂક્યો છે. પંચ-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને વીજચોરીનો ગુનો નોંધાયેલ છે. પંચ-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તથા અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયેલ.
જોડિયા પોલીસ સ્ટેશનમાં ખાણ-ખનીજ વિભાગના અધિકારીની ફરજમાં રૂકાવટ તથા વીજચોરી સંબંધિત ગુનો નોંધાયેલ. આ સમગ્ર કાર્યવાહી જોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી. એન. ખાચર ના માર્ગદર્શન હેઠળ જોડિયા પોલીસ સ્ટાફ તથા ધ્રોલ રૂરલ પીજીવીસીએલની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
