Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

જૂનાગઢના ભવનાથમાં ઘેડિયા કોળી સમાજ ભવનમાં 'રૂમ' આપવા મુદ્દે બબાલ: મેનેજરને માર માર્યો!

માજની જગ્યામાં એકલા યુવકોને રોકાવા પર પ્રતિબંધની સૂચનાથી શખ્સ ઉશ્કેરાયો

જૂનાગઢના ભવનાથમાં ઘેડિયા કોળી સમાજ ભવનમાં 'રૂમ' આપવા મુદ્દે બબાલ થઈ હોવાની તથા એક શખ્સ દ્વારા મેનેજરને ઢોર માર મારી, ઇજાગ્રસ્ત કર્યા હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાતા, પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલા ઘેડિયા કોળી સમાજ ભવનના મેનેજર તરીકે ફરજ બજાવતા રામશી જીવા બાલસ પર એક શખ્સ એ સવારના આશરે 6 વાગ્યાના સુમારે સમાજ ભવનમાં આવી, મેનેજરની ચેમ્બરનો દરવાજો ખખડાવી તેમને જગાડ્યા હતા.

અને મેનેજર રામશીભાઈ કંઈ સમજે તે પહેલાં જ શખ્સે તેમનો કાંઠલો પકડી પછાડી દીધા હતા. ત્યારબાદ ઘોડિયું ઉપાડી તેમના પર ફટકાર્યું હતું અને ડસ્ટબિનથી પણ માર માર્યો હતો. અચાનક થયેલા હુમલામાં રામશીભાઈને નાની-મોટી ઈજાઓ પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બનાવ અંગે રામશીભાઈની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હુમલાખોર સામે કાયદેસરની તપાસ શરૂ કરી છે.
આ ઘટના અંગે પ્રાપ્ત વધુ વિગતો મુજબ, ઘેડિયા કોળી સમાજ દ્વારા ભવનની જગ્યામાં અગાઉ કેટલાક યુવકો દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ અને અયોગ્ય વર્તન થતું હોવાની બાબત ધ્યાને આવતા સમાજની શિસ્ત અને પ્રતિષ્ઠા જળવાઈ રહે તે માટે જાહેર સૂચના લગાવવામાં આવી હતી. જેમાં દેલવાડા ગામના યુવકોને એકલા સમાજની જગ્યામાં રહેવા પર પ્રતિબંધ મુકાયો હતો, જ્યારે પરિવાર સાથે આવનારને રહેવાની મંજૂરી આપવાનો નિર્ણય કરાયો હતો.
દરમિયાન રાત્રિના સમયે એક શખ્સ સમાજ ભવનમાં રોકાવા માટે આવ્યો હતો. તે સમયે નોકરી પર હાજર મેનેજર રામશી જીવા બાલસે તેને સમાજ દ્વારા લગાવવામાં આવેલી સૂચના વાંચી લેવા જણાવ્યું હતું. જોકે શખ્સે રૂમ આપવાની જીદ કરતાં મેનેજરે પોતાની સત્તાથી રૂમ ફાળવી શકાય તેમ ન હોવાનું જણાવી સમાજના આગેવાન સાથે વાતચીત કરવા જણાવ્યું હતું. બાદમાં અશોકભાઈ સાથે વાતચીત થયા પછી શખ્સ ત્યાંથી ચાલ્યો ગયો હતો. જો કે, મામલો અહીં અટક્યો ન હતો. બીજા દિવસે વહેલી સવારે આશરે 6 વાગ્યાના અરસામાં આ યુવક ફરી આવ્યો હતો અને સમાજના મેનેજર પર હુમલો કરી, ઇજાગ્રસ્ત કરી, નાશી ગયો હતો.
ભવનાથના ઘેડિયા કોળી સમાજમાં સમાજની શિસ્ત જાળવવા માટે લગાવવામાં આવેલી સૂચનાના પગલે સર્જાયેલા આ બનાવથી ઘેડિયા કોળી સમાજમાં ભારે ચર્ચા જાગી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati