મધ્યપ્રદેશની બાવરીયા ગેંગના 4 આરોપીઓની પોલીસે તપાસ હાથ ધરી : વધુ ભેદ ખુલવાની આશંકા
કેશોદમાં રાત્રે દુકાનના તાળા તોડી રોકડ તથા બે મોટરસાયકલ રૂ. 57,000ની ચોરી કરતી મધ્યપ્રદેશની બાવરીયા ગેંગના 4 આરોપીઓને કેશોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ ડી મકવાણાએ ગણતરીના કલાકોમાં આરોપીઓ ને ઝડપી લઇ, આરોપીની તપાસ હાથ ધરી છે.
કેશોદ શહેરના જુનાગઢ રોડ પર આવેલ યોગેશ્વરધામ સોસાયટી પાસે આવેલી છગનભાઈ અરજણભાઈ ગોઠાવડીયાની માલિકીની દુકાનના રાત્રે તાળા તોડી અજાણ્યા ઈસમોએ દુકાનના ટેબલના ખાનામાં રાખેલ રોકડા રૂ.
12,000/-, અને કમલેશભાઈ સોલંકી ની મોટરસાયકલ અજયભાઈ અરવિંદભાઈ ચૌહાણ ની મોટરસાયકલ મળી કુલ રૂ. 57,000 ના મુદ્દામાલની ચોરી થઇ હોવાનો કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
જે અંગે કેશોદ પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા આ ચોરી મધ્યપ્રદેશની બાવરીયા ગેંગ દ્વારા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું. ત્યારે કેશોદ પોલીસ સ્ટેશન ના પીએસઆઈ એમ ડી મકવાણાએ ગણતરીના કલાકોમાં મધ્ય પ્રદેશના બાવરીયા બહાદુર બધેલ, મોહન ભિતિયા અલાવા, રંજન બાવલીયા મિનાવા, મુકેશ મંગુ બગહેલને મુદામાલ સાથે ઝડપી લીધા હતા. હાલમાં આરોપીઓની પૂછપરછ હાથ ધરાઈ છે અને અન્ય ચોરીઓના પણ ખુલાસા થવાની શક્યતા વર્તાઈ રહી છે. તે સાથે પોલીસ દ્વારા પકડાયેલ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

