જિલ્લા કોર્ટે આરોપીના એડવોકેટોની દલીલ ધ્યાને રાખીને આપ્યો ચૂકાદો
પોરબંદરના ચકચારી ખાપટ ગામની જમીન પ્રકરણના આરોપીના રીમાન્ડ પોલીસની રીવીઝન અરજી ડિસ્ટ્રીકટ કોર્ટે નામંજૂર કરી છે.
બે મહિના અગાઉ પોરબંદરમાં ખાપટની કરોડો રૂપિયાની જમીન કૌભાંડમાં ઉદ્યોગનગર પોલીસ દ્વારા એફ.આઇ.આર. ફાડેલી હોય અને તેમાં સાત વ્યક્તિઓ સામે પોલીસ દ્વારા ગંભીર કલમો હેઠળ ગુન્હો દાખલ કરેલ હોય અને ચાર આરોપીઓની ધરપકડ કરેલી હતી અને બાકીના આરોપીઓએ આગોતરા જામીન મેળવી લીધા હતા તે પૈકી દિલીપ અરભમ રાણાવાયા વગેરેની ધરપકડ બાદ પોલીસે કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરેલી હતી પરંતુ પોરબંદરના પાંચમા એડીશ્નલ ચીફ જ્યુડી મેજસ્ટ્રેટ દ્વીવેદી દ્વારા રીમાન્ડ નામંજૂર કરેલ હતા.
તે હુકમ સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન દ્વારા એડીશ્ર્નલ ડીસ્ટ્રીકટ કોર્ટમાં રીવીઝન દાખલ કરેલ હતી. જેમાં એક આરોપી દિલીભ અરભમ રાણાવાયા વતી પોરબંદરના એડવોકેટ ભરતભાઇ લાખાણી રોકાયેલા હતા અને ખરેખર એલ.સી.બી. પોલીસ દ્વારા નોટીશ કરીને તા. 5-6-2026ના રોજ જવાબ લેવા બોલાવેલા હોય અને એલ.સી.બી. એ તમામની પૂછપરછ કરી લીધેલ હોય અને તે રીતે રીમાન્ડની કોઇ જરૂરિયાત જ ન હોય એટલું જ નહી ધરપકડ થયાના બે માસ જેવો સમય થઇ ગયેલ હોય અને હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના ચુકાદાઓ મુજબ જામીન મુકત થયા બાદ પંદર દિવસો પછી રીમાન્ડ અરજી માંગી શકાય નહી તેવી કાયદાકીય જોગવાઇ હોય અને તેથી રીમાન્ડ અરજીના મંજૂર કરવા દલીલ કરતા પોરબંદર એડીશ્ર્નલ ડિસ્ટ્રીકટ જજ શર્મા દ્વારા કાયદાકીય જોગવાઇઓ અને એડવોકેટની દલીલો ધ્યાને રાખી આરોપીના રીમાન્ડ નામંજૂર કરવાનો હુકમ કરેલ હતો.
આ કામમાં આરોપી દિલીપ અરભમ રાણાવાયા વતી પોરબંદરના એડવોકેટ ભરતભાઇ બી. લાખાણી તથા નવઘણ જાડેજા રોકાયેલા હતા.

