સમસ્યાઓ વર્ણવી કલેકટરને ઉગ્ર રજૂઆત
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ખેડૂતો, ખેત મજૂરો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોના લાંબા સમયથી પ્રવર્તતા પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 'સમસ્યાથી સમાધાન સુધી' પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉમરાળાથી પગપાળા ચાલીને ભાવનગર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઉચ્ચ અધિકારીને આવેદનપત્ર પાઠવીને સ્થાનિક સમસ્યાઓ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.
તંત્રની નિરસતા સામે આક્રોશ વ્યક્ત કરતા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, તાલુકા લેવલે અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતા આખરે તેમણે કલેક્ટર સુધી જનતાનો અવાજ પહોંચાડવા માટે આ પદયાત્રા યોજવાની ફરજ પડી છે. આ પદયાત્રા દરમિયાન મુખ્યત્વે ચાર સંવેદનશીલ મુદ્દાઓ પર વહીવટી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ પ્રશ્ન આરોગ્ય ક્ષેત્રનો હતો કે, ઉમરાળા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (સીએસસી) માં ઘણા વર્ષોથી કાયમી ડોક્ટરની નિમણૂક કરવામાં આવી નથી, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે અને નાની બીમારીઓ માટે પણ અન્ય શહેરો તરફ દોડવું પડે છે. બીજો મહત્વનો મુદ્દો શિક્ષણ ક્ષેત્રે પ્રવર્તતી ઓરડા અને શિક્ષકોની ઘટનો હતો.
તાલુકાની અનેક સરકારી શાળાઓમાં શિક્ષકોની ભારે અછત છે, એટલું જ નહીં, ધામણકા જેવા ગામોમાં તો શાળાના ઓરડાના અભાવે નિર્દોષ બાળકોને મંદિરમાં બેસીને ભણવાની નોબત આવી છે. ત્રીજી રજૂઆત સ્થાનિક સ્તરે ફાયર સ્ટેશનની સુવિધા ઊભી કરવા અંગેની હતી, કારણ કે તાજેતરમાં જ ધોળા, લંગાળા અને ઉમરાળા વિસ્તારમાં આગની ગંભીર ઘટનાઓ બની ત્યારે વલ્લભીપુર કે સિહોરથી ફાયર બ્રિગેડની ગાડીઓને આવતા 40 મિનિટથી વધુ સમય લાગી ગયો હતો, જેથી મોટું નુકસાન થયું હતું. આથી ઉમરાળામાં જ કાયમી ફાયર સ્ટેશન અને ગાડી ફાળવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરાઈ છે. ચોથો પ્રશ્ન વર્તમાન ખેતીની સીઝનમાં ઊભી થયેલી ડીઝલની કટોકટીનો છે, જેમાં જેઠ મહિનો અને વાવણીનો સમય નજીક હોવા છતાં ખેડૂતોને ટ્રેક્ટર માટે બેરલમાં ડીઝલ મેળવવામાં વહીવટી અવરોધો નડી રહ્યા છે અને પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે.

