Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
માધવપુરના મેળા સમયે ચેપી રોગો ફેલાઇ નહી તે માટે બહાર પડયુ જાહેરનામુ

માધવપુરના મેળા સમયે ચેપી રોગો ફેલાઇ નહી તે માટે બહાર પડયુ જાહેરનામુ

ઠ કિ.મી.ના વિસ્તારમાં કલોરીનયુકત પાણીનો ઉપયોગ કરવા તથા અખાદ્ય ચીજવસ્તુનુ વેચાણ નહીં કરવા અપાઇ સૂચના: નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે

પોરબંદર નજીકના માધવપુરના મેળાના સુવ્યવસ્થિત આયોજન માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રોગચાળો ફેલાય નહીં તે માટે તંત્ર સતર્ક બન્યુ છે અને તે અંગેના જાહેરનામા પણ બહાર પાડવામાં આવ્યા છે.

પોરબંદરના જિલ્લા મેજિસ્ટ્રેટ કમ જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીએ જાહેરનામુ બહાર પાડીને જણાવ્યુ છે કે પોરબંદર જિલ્લામાં પોરબંદર તાલુકાના માધવપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા માધવપુર રામજી મંદિરના પ્રાંગણમાં રાહીતળ મેદાનમાં રામનવમી તહેવાર સબબ દર વર્ષે મેળો ભરાય છે તે મુજબ ચાલુ વર્ષે પણ આ મેળો ભરવાનો હોવાથી મોટી સંખ્યામાં યાત્રાળુઓની અવરજવર રહે છે તેથી આ સમય દરમ્યાન લોકોના જાહેર આરોગ્યને નુકશાન ન થાય અને ચેપી રોગોનો ઉપદ્રવ થવા ન પામે તે માટે સાવચેતીના પગલા લેવાનું ઇષ્ટ જણાતા હું કે.ડી. લાખાણી, આઇ.એ.એસ. જિલ્લા મેજીસ્ટ્રેટ, પોરબંદર જિલ્લો, પોરબંદર ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-43/1 અન્વયે મને મળેલ અધિકારની રૂએ તા. 17-4-2024 થી તા. 21-4-2024 સુધી 5(પાંચ) બંને દિવસો સહિત સુધીની મુદત માટે માધવપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં તેમજ તેની આજુબાજુ આઠ કિ.મી.ના વિસ્તારમાં નીચે પ્રમાણે અમલવારી કરવા ફરમાવવામાં આવે છે. મેળાના વિસ્તારમાં ગંદકી કરવી નહીં, અન્ય કોઇ બીન આરોગ્યપ્રદ વસ્તુઓ અને બિનકલોરીનયુકત પાણીનો ઉપયોગ કરવો નહી, પીવાનું પાણી વેડફાય નહીં તેવા કોઇ પ્રકારના કૃત્યો કરવા નહીં, પીવાના પાણી તેમજ બરફ બનાવવા માટે કલોરીનયુકત પાણીનો વપરાશ કરવો, મેળામાં દૂધ તથા દહીની બનાવટમાં સ્થાનિક બનાવટની કુલ્ફી તથા વાપરવામાં આવતુ દૂધ વાસી ન હોવું જોઇએ અને સ્થાનિક બનાવટમાં કલોરીનેટેડ સ્વચ્છ પાણીનો જ ઉપયોગ કરવો. તેમજ સ્થાનિક બનાવટના બરફના ગોલાની બનાવટમાં અખાદ્ય કલર, અખાદ્ય અન્ય સામગ્રી વાપરવી નહી. અખાદ્ય, બિન આરોગ્યપ્રદ, બગડેલ અને વાસી વસ્તુઓનું વેચાણ કરવુ નહીઉ ઠંડા પીણાઓમાં બિન આરોગ્યપ્રદ કે શરીરને નુકશાન કરે તેવી સામગ્રી નો ઉપયોગ કરવો નહીં. આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો ખુલ્લા રાખવા નહીં કે ખુલ્લા રાખી વેચાણ કરવુ નહીં. ચેપી રોગથી પીડાતી વ્યક્તિઓને ખાદ્ય પદાર્થની બનાવટ કે વહેચાણ પ્રક્રિયામાં સામેલ ન કરવા.
ઉપરોકત બાબતે દેખરેખ રાખવા યોગ્ય પગલા લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પોરબંદર તથા તેઓએ નિયુકત કરેલ કર્મચારીઓને અધિકાર આપવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શખ્શ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-139માં જણાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.
મેળાની તડામાર
તૈયારીઓ ધમધમી
ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યો અને પશ્ર્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે રામનવમી, તા.17 થી તા.21 એપ્રિલ સુધી યોજાશે. આ મેળાના ભવ્ય આયોજનને ઓપ આપવા મેળાના ગ્રાઉન્ડ ખાતે તાજેતરમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. માધવપુર ઘેડના મેળાના આયોજન માટે સ્થાનિક તેમજ તાલુકા સ્તરે પણ વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. કલેકટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં વિડિયો કોન્ફરન્સથી અધિકારીઓને મેળાના સુચારૂ આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માધવપુર ઘેડ ખાતે જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ પાણી, લાઇટ, આરોગ્ય, સફાઇ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ડોમ -પંડાલ તૈયાર કરવા વગેરે વ્યવસ્થાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, ઉત્તર-પૂર્વીય રાજ્યોના વિકાસ માટેના મંત્રાલય તેમજ ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, પ્રવાસન વિભાગ તથા કુટિર ઉદ્યોગ વિભાગ દ્વારા આ મેળાનું સાંસ્કૃતિક કાર્યક્રમ અને કારીગરોને સ્ટોલ સહિતના આયોજન થાય છે. એક ભારત-શ્રેષ્ઠ ભારતના વિચારને સાકાર કરતો આ મેળો ર018 થી રાષ્ટ્રીય કક્ષાના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના અરૂણાચલ પ્રદેશના ભીષ્માક નગરના રાજા ભીષ્મકની રાજકુમારી રૂક્મણિ સાથે માધવપુરમાં થયેલા વિવાહની શ્રદ્ધા સ્મૃતિમાં આ મેળો યોજાતો હોય છે.
માધવરાય મંદિર ખાતે તેમજ ચોરી માયરા, રૂક્ષ્‍મણી મંદિર ખાતે પણ પરંપરા મુજબ વિવિધ પ્રસંગો, શોભાયાત્રા સહિતના માંગલિક દિવ્ય પ્રસંગો યોજાય છે.
માધવપુર ખાતે વિવિધ કાર્યક્રમો બાદ અંતિમ દિવસે દ્વારકા ખાતે પણ મેળાના ભાગરૂપે સ્વાગત અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
બારાત થી બિદાઇ સુધીની આ આનંદ દાયક અને પવિત્ર લગ્નવિધિને પૂન: તાદૃશ્ય કરવા પ્રતિવર્ષ આ મેળામાં હજારો ભક્તો શ્રદ્ધાપૂર્વક જોડાતા હોય છે. માધવપુર ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના લોકમાળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, સાંસ્કૃતિક કાર્યક્રમની મોજ આનંદ અને ઉત્સાહથી લોકો માણી શકે તે માટે વિશાળ એ.સી.ડોમ સહિતની સગવડો ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, અને આ મેળાની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati