હજારો કોમનમેન ગંદકી વચ્ચેથી પસાર થાય તેની ચિંતા નથી અને સીએમ માટે તંત્રમાં દોડધામ જોવા મળી
અમરેલી શહેરના દોઢ લાખ સી.એમ. (કોમનમેન) શહેરમાં ફેલાયેલ ગંદકી, અંધારપટ્ટ, ઉબડ ખાબડ માર્ગો, રખડતા પશુઓ સહિતની અનેક સમસ્યાઓ વચ્ચે જીવન પસાર કરી રહૃાા છે. પરંતુ, માત્ર એક સી.એમ. (ચીફ મિનિસ્ટર) આવ્યા અને શહેરના વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ.ગઈકાલે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આગમન થવાનું હોવાથી ગઈકાલથી જ પાલિકા, માર્ગ-મકાન વિભાગ સહિતના વિભાગો આળશ મરડીને ઉભા થયા અને એરપોર્ટ નજીકનો માર્ગ યોગ્ય કરો, તો સરદાર સર્કલ નજીક પણ માર્ગ ઉપર પેવરિંગ કરવામાં આવ્યું, તો નદી કાંઠે ફેલાયેલ ગંદકી દુર કરવાને બદલે પાલિકાએ મુખ્યમંત્રીનો કાફલો પસાર થવાનો હોય તે માર્ગની બંન્ને બાજુ પરદા લગાવી દીધા અને ગંદકીને છુપાવવાનો હાસ્યાસ્પદ પ્રયાસ કર્યો ?
જો કે આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સંદિપ ધાનાણીએ પણઆકરી પ્રતીક્રિયા આપતો પત્ર પાલિકાનાં ચીફ ઓફિસરને પાઠવેલ છે.પત્રમાં જણાવેલ છે કે,ગુજરાત રાજયનાં મુખ્યમંત્રીના અમરેલી શહેરમાં આગમનને અનુલક્ષીને જે માર્ગ પરથી તેમનો કાફલો પસાર થવાનો છે. તે માર્ગ ઉપર અમરેલી નગરપાલિકા દ્વારા શહેરની ગંદકી, કચરો, તૂટેલ રસ્તા, ગટર અને અવ્યવસ્થાને છુપાવવા માટે આડા પડદા ગોઠવવામાં આવ્યા હોવાની જાણકારી મળી છે.
આ કાર્યવાહી ખૂબ જ નિંદનીય અને જનતાને ભ્રમિત કરનારી છે. શહેરમાં વર્ષોથી ગંદકી, કચરાના ઢગલા, તૂટેલા રસ્તાઓ,ખુલ્લી ગટર અને નગરપાલિકાની નિષ્ફળ કામગીરીથી લોકો પરેશાન છે. પરંતુ આ સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાના બદલે માત્ર મુખ્યમંત્રીને સાચી પરિસ્થિતિ ન દેખાય તે માટે પડદા ગોઠવીને હકીકત છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે.નગરપાલિકાનું કામ શહેરને સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવાનું છે, ગંદકી ઉપર પડદા નાખવાનું નહીં જો શહેરમાં ગંદકી અને અવ્યવસ્થા છે. તો તે દુર કરવાની જવાબદારી નગરપાલિકાની છે. માત્ર થોડા કલાક માટે પડદા ગોઠવીને હકીકત છુપાવવી એ નગરપાલિકાની નિષ્ફળતા અને બેદરકારીનો પુરાવો છે. તેમ અંતમાં જણાવેલ છે.

