માધવપુરના નિવાસસ્થાનેથી પોલીસ મથક ખાતે ઈલેક્ટ્રીક સ્કૂટર પર ફરજ નિભાવવા જતા હતા ત્યારે હાઇવે પર ભાદર આઈ માતાજીના મંદિર નજીક કાર ચાલકે મારી ઠોકર: સ્થળ ઉપર જ કમકમાટીભર્યું થયું અપમૃત્યુ: પોલીસ બેડામાં ભારે શોક
પોરબંદર માધવપુર નેશનલ હાઇવે પર ભાદર આઈ માતાજીના મંદિર નજીક બેફામ સ્પીડે કાર ચલાવતા ઇસમે ઈલેક્ટ્રીક સ્કૂટર લઈને જતા મહિલા કોન્સ્ટેબલને ઠોકર મારી દેતા ઘટના સ્થળે તેમનું કમકમાટી ભર્યું મોત થયું હતું.
બનાવની વિગત એવી છે કે પોરબંદરના નવી બંદર મરીન પોલીસ મથક ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને મૂળ તરખાઈ તથા હાલ માધવપુર ખાતે ક્વાર્ટરમાં રહેતા મહિલા કોન્સ્ટેબલ રેખાબેન ભીમનાથ ગૌસ્વામી (ઉંમર:35) પોતાનું ઈલેક્ટ્રીક સ્કૂટર લઈને નવી બંદર પોલીસ સ્ટેશન ખાતે ફરજ નિભાવવા માટે જતા હતા. અને ભાદર આઈ માતાજીના મંદિર સામે પહોંચ્યા ત્યારે ફુલ સ્પીડે કાર લઈને આવતા અજાણ્યા ચાલકે રેખાબેન ના સ્કૂટરને ઠોકર મારી દેતા તેઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા અને ઘટના સ્થળે જ તેમનું કમકમાટી ભર્યું મોત થયું હતું.
બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને રેખાબેન ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. અકસ્માતના બનાવ અંગે પોલીસ બેડામાં જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી.
અકસ્માતના આ બનાવમાં મૃતક મહિલા કોન્સ્ટેબલ રેખાબેન ના ભાઈ શિવનાથ ભીમનાથ ગોસ્વામી કે જેઓ માધવપુરના ગણેશ ઝારા વિસ્તારમાં રહે છે અને શિવ મંદિરમાં પૂજા પાઠ કરે છે તેમણે બેફિકરાઈથી કાર ચલાવનાર અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તેમના બહેન રેખાબેન ને ઠોકર મારી કારચાલક પોતાની કારને સ્થળ ઉપર મૂકીને નાસી ગયો છે તેથી આ બનાવમાં માધવપુર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

