35થી વધુ ગામોના લોકો ત્રાહિમામ, તાત્કાલિક રીપેર અને પહોળાઈ વધારવાની માંગ
સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે સાથે જોડતો લોઢવા-સુત્રાપાડા સ્ટેટ હાઇવે છેલ્લા કેટલાંક સમયથી બિસ્માર હાલતમાં પહોંચી જતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રસ્તાની ખરાબ સ્થિતિને કારણે રોજિંદા અવરજવર કરતા વાહનચાલકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.સુત્રાપાડા તાલુકાના થરેલી ગામના માજી સરપંચ અને તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય રામભાઈ બાંમભણીયા તેમજ અમરપુર ગામના આહીર યુવા અગ્રણી રાજસીભાઈ જેઠવાએ જણાવ્યું હતું કે, આ મહત્વના માર્ગની હાલત એટલી ખરાબ બની ગઈ છે કે અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકોને જીવના જોખમે પસાર થવું પડે છે.
ખાસ કરીને વરસાદી મોસમ બાદ રસ્તાની સ્થિતિ વધુ ખરાબ બની જતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે.આ માર્ગ વેરાવળ-કોડીનાર-ઉના નેશનલ હાઈવે પરથી લોઢવા મારફતે સુત્રાપાડા તાલુકા મથકને જોડે છે અને ઔદ્યોગિક તથા ગ્રામ્ય વિસ્તારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. માર્ગ અને મકાન વિભાગના હસ્તકનો આ માર્ગ હાલ ભારે વાહન વ્યવહારનો બોજ સહન કરી રહ્યો છે.
વિશેષ કરીને નજીક આવેલી સિમેન્ટ કંપનીના કારણે દરરોજ અંદાજે 400થી 450 જેટલા ભારે ટ્રકો (45થી 50 ટન વજન સાથે) આ માર્ગ પરથી પસાર થાય છે. માત્ર 5 મીટર પહોળો અને આશરે 10.5 કિલોમીટર લાંબો આ રસ્તો ભારે વાહનો માટે પૂરતો ન હોવાથી સમસ્યા વધુ ગંભીર બની છે. બંને તરફથી વાહનો સામસામે આવતા હોય ત્યારે સાઇડમાં ઉતરવું પડે છે, જેના કારણે અકસ્માતોના બનાવોમાં પણ વધારો થયો છે.વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી 35થી 37 ગામોના લોકો આ માર્ગની મુશ્કેલી સહન કરી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા પૂરતી કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોએ માંગ ઉઠાવી છે કે માર્ગની કેટેગરી અને વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને રસ્તાની પહોળાઈ વધારવામાં આવે અને તાત્કાલિક મરામત હાથ ધરવામાં આવે, જેથી અકસ્માતોની ઘટનાઓ અટકાવી શકાય અને લોકોને રાહત મળી શકે.
બીજી તરફ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર બી.એમ. ભીમાણીએ જણાવ્યું હતું કે, ભારે ઔદ્યોગિક વાહનવ્યવહારના કારણે માર્ગ બિસ્માર બન્યો છે. તેમ છતાં, તંત્ર દ્વારા ટૂંક સમયમાં રસ્તાની મરામત માટે કામગીરી હાથ ધરવામાં આવશે અને લોકોને પડી રહેલી મુશ્કેલીઓને દૂર કરવા પ્રયાસ કરવામાં આવશે. હાલ સ્થાનિકોમાં એક જ પ્રશ્ન છે-વર્ષોથી બિસ્માર બનેલા આ માર્ગનો ઉકેલ ક્યારે આવશે? હવે લોકો તંત્રની કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે.

