પોરબંદરથી માધવપુર સુધીના દરિયા કિનારે નહીં જવા વહીવટી તંત્રએ કરી અપીલ: સમુદ્ર કિનારે સાડા ત્રણ મીટર ઊંચા મોજા ઉછળે તેવી શક્યતા દર્શાવાઈ
પોરબંદર જિલ્લામાં અડધાથી સવા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે તો બીજી બાજુ દરિયામાં તોફાની મોજા ઉછડી રહ્યા છે તેથી દરિયાકિનારે જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
સૌથી વધુ કુતિયાણામાં
વરસાદ વરસ્યો
અરબી સમુદ્રના કિનારે આવેલા પોરબંદર જિલ્લામાં દિવસ પર વરસાદી વાતાવરણ રહ્યું હતું સૌથી વધુ વરસાદ કુતિયાણા તાલુકામાં વરસ્યો છે.
કુતિયાણા શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં સવારે છ થી સાંજે છ વાગ્યા સુધીમાં 131 મિલિમિટર એટલે કે સવા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે મહત્વની બાબત એ છે કે ચાર ઇંચ જેટલો વરસાદ તો માત્ર બપોરે 4 થી 6 વાગ્યા દરમિયાન વરસ્યો હતો અને હજુ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે કુતિયાણા શહેર તથા આજુબાજુના વિસ્તાર તેમજ ઘેડ વિસ્તારમાં વરસાદને લીધે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે.
રાણાવાવમાં સવા ઇંચ
પોરબંદર નજીકના રાણાવાવ ખાતે પણ 12 કલાકમાં સવા ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે. સવારે 6:00 થી સાંજે છ વાગ્યા સુધીમાં 29 મિમી વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. રાણાવાવ આજુબાજુના રાણા કંડોરણા, અમર, રાણા વાડોતરા વગેરે વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે.
પોરબંદરમાં અડધો ઇંચ
પોરબંદર શહેર તથા તેની આજુબાજુના વિસ્તારમાં દિવસ પર ઝાપટા પડ્યા હતા અને સાંજ સુધીમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
મોસમનો કુલ વરસાદ
મોસમ ના કુલ વરસાદની વાત કરીએ તો સૌથી વધુ કુતિયાણા તાલુકામાં 131 મિલિમિટર એટલે કે સવા પાંચથી વધુ નોંધાયો છે. જ્યારે રાણાવાવ તાલુકામાં 41 મિલિમિટર એટલે કે દોઢ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે તો પોરબંદર તાલુકામાં 30 મીલીમીટર એટલે કે સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
દરિયા કિનારાથી દૂર રહેવા અપીલ
ભારતીય હવામાન વિભાગે દરિયા માં તોફાનની શક્યતા દર્શાવી છે ત્યારે પોરબંદરના જિલ્લા કલેકટર ધાનાણી એ પોરબંદર જિલ્લાના લોકોને અપીલ કરતાં જણાવ્યું છે કે દરિયાકાંઠે અને અંદરના વિસ્તારમાં સાડા ત્રણ મીટરથી વધુ ઊંચા મોજા ઉછળે તેવી શક્યતા છે અને આ આગાહીના પગલે પોરબંદર થી માધવપુર અને મિયાણી સુધીના વિસ્તારમાં આવેલા દરિયાકાંઠાના સ્થળો નજીક નહીં જવા અપીલ છે. શુક્રવારે રાત્રે 11:30 વાગ્યા સુધીની ચેતવણી આપવામાં આવી છે તેથી લોકો દરિયાથી દૂર રહે તેવી અપીલ કરવામાં આવી હતી. ભારત સરકારના હવામાન વિભાગની આગાહીને પગલે પોરબંદર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો માટે આગામી 24 કલાક દરમિયાન દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે અને સાડા ત્રણ (3.5) મીટરથી પણ વધુ ઊંચા મોજા ઉછળવાની પ્રબળ સંભાવના જાહેર કરવામાં આવી છે. જે સંદર્ભે પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર એસ. ડી. ધાનાણીએ જિલ્લાના તમામ નાગરિકોને દરિયાકિનારા ન જવા અને સાવચેત રહેવા અપીલ કરી છે.
હવામાન વિભાગની સત્તાવાર માહિતી અનુસાર આવતીકાલ તા.3 જુલાઈના રાત્રિના 11:30 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે અને સાડા ત્રણ (3.5) મીટરથી પણ વધુ ઊંચા મોજા ઉછળવાની પ્રબળ સંભાવના છે. દરિયાની આ ગંભીર પરિસ્થિતિની સૌથી વધુ અસર ખાસ કરીને વાડિનાર બંદરથી લઈને હર્ષદ બંદર સુધીના વિસ્તારોમાં જોવા મળશે, તેમજ તેની આસપાસના નજીકના અન્ય જિલ્લાઓના દરિયાકાંઠે પણ આવી જ અસરો વર્તાઈ શકે તેમ છે.આ પરિસ્થિતિને ધ્યાને રાખીને
પોરબંદર જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ નાગરિકોની સુરક્ષા કાજે કડક સૂચના આપતાં જણાવ્યું છે કે, આગામી 24 કલાક દરમિયાન કોઈ પણ વ્યક્તિએ દરિયા કિનારે જવું નહીં. સામાન્ય દિવસોમાં લોકો જ્યાં ફરવા કે અન્ય પ્રવૃત્તિઓ માટે એકઠા થતા હોય છે તેવા તમામ જાણીતા પર્યટન સ્થળો જેવા કે માધવપુર બીચ, પોરબંદર ચોપાટી અને અસ્માવતી ઘાટ સહિતના તમામ દરિયાકાંઠાના સ્થળોથી સંપૂર્ણપણે દૂર રહેવા તાકીદ કરવામાં આવી છે.
વધુમાં, તેમણે નાગરિકોને વિનંતી કરી છે કે જો કોઈ વ્યક્તિ અજાણતા પણ દરિયા તરફ જતી દેખાય, તો તેને અટકાવીને સુરક્ષિત રાખવામાં સહયોગ આપે.
લોકોની પોતાની અને તેમના પરિવારની જાનમાલની સલામતી માટે જિલ્લાના તમામ નાગરિકો પૂરો સાથ-સહકાર આપે તેવી વહીવટી તંત્ર વતી નમ્ર અપીલ કરવામાં આવી છે.

