પ્રતિબંધિત પ્લાસ્ટિક બદલ થઈ કાર્યવાહી: જાહેરમાં ગંદકી ફેલાવવા બદલ 36 લોકો પાસેથી 20,000નો દંડ વસૂલાયો
પોરબંદરમાં મહાનગરપાલિકાના તંત્રએ ગંદકી કરનારાઓ અને પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખનારા વેપારીઓ પાસેથી 50,000 થી વધુ નો દંડ લીધો છે.
સેનિટેશન ઓફિસર જગદીશ ઢાંકી તથા વિવિધ વોર્ડના સેનિટરી સબ ઇન્સ્પેક્ટરો દ્વારા જૂન-2026 દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સામે વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
અભિયાન દરમિયાન 120 માઇક્રોનથી ઓછી જાડાઈની પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ (ઝબલા) ગ્રાહકોને આપતા 40 વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ વેપારીઓ પાસેથી વહીવટી ચાર્જ પેટે કુલ રૂ. 33,400/- વસૂલ કરવામાં આવ્યા હતા તેમજ અંદાજે 403 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનાર તેમજ જાહેર જગ્યાઓ પર ઘાસચારો વેચનાર કુલ 36 વ્યક્તિઓ/વેપારીઓ પાસેથી રૂ. 20,000/-નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સ્વચ્છતા જાળવવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તથા ઘર અને વેપાર સ્થળેથી નીકળતા કચરાને ડસ્ટબિનમાં એકત્ર કરી મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ વાહનમાં જ આપવા અપીલ કરવામાં આવે છે. મહાનગરપાલિકાએ ચેતવણી આપી છે કે સ્વચ્છતા સંબંધિત નિયમોનો ભંગ કરનાર સામે મહાનગરપાલિકાના ઉપનિયમો મુજબ રૂ. 100થી રૂ. 5,000 સુધીનો દંડ વસૂલ કરવામાં આવશે અને આ કાર્યવાહી સતત ચાલુ રહેશે.

