Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

પોરબંદરમાં ડીઝલ પંપ પાસ કરાવવાની લાલચ આપી યુવાન સાથે થઇ રૂપિયા 64 લાખની છેતરપીંડી

'મારી ગાંધીનગર ખાતે ઓળખાણ છે, ડીઝલ પંપની મંજૂરી મેળવી આપીશ' અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા ઇસમે વર્ષ 2020થી વર્ષ 2023 સુધીમાં રૂપિયા પડાવ્યા: મોબાઇલ પણ બંધ કરી દેતા ચીટર વિરૂધ્ધ ગાંધીનગર પોલીસ ભવનના ડી.આઇ.જી.ને કરી હતી લેખિત ફરિયાદ: ઉચ્ચકક્ષાએથી મળેલા આદેશ બાદ નોંધાયો ગુન્હો

પોરબંદરના એક યુવાનને ડીઝલ પંપ પાસ કરાવવા માટે ગાંધીનગરમાં ઓળખાણ હોવાનું જણાવી અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક ઇસમે વર્ષ 2020 થી 2023 દરમ્યાન 64 લાખ રૂપિયા પડાવી લીધા બાદ ડીઝલ પંપની મંજૂરી અપાવતા અને રૂપિયા પણ પરત નહી આપતા છેતરપીંડી અને વિશ્ર્વાસઘાતની પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.

યુવાને નોંધાવી ફરિયાદ
પોરબંદરના વાઘેશ્ર્વરીપ્લોટમાં ચોપાટી ગ્રાઉન્ડ સામે હરિઓમ બંગલામાં રહેતા જીતેન્દ્ર માધવજીભાઇ બરીદુન ઉ.વ. 49 દ્વારા એવા પ્રકારની પોલીસ ફરિયાદ હાર્બર મરીન પોલીસમથકમાં નોંધાવાઇ છે કે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં જોધપુરના સત્યમ સ્ટેટસ ચંદન પાર્ટીપ્લોટ સામે રહેતા નિર્મળ જયસુખ પટેલે ગાંધીનગર ખાતેથી ડીઝલ પંપ બાબતેની મંજૂરી મેળવી આપીશ તેમ કહી વર્ષ 2020થી વર્ષ 2023 સુધીમાં કટકે કટકે 64 લાખ રૂપિયા પડાવીને છેતરપીંડી કરી છે.
2020માં થઇ હતી ઓળખાણ
જીતેન્દ્ર બરીદુને ફરિયાદમાં જણાવ્યુ છે કે તે શ્રી એકતા મત્સ્યોધ્યોગ સહકારી મંડળી લીમીટેડના પ્રમુખ છે અને માચ્છીમારીનો વ્યવસાય પોતે કરે છે. સુભાષનગરના ફશરીઝ ટર્મીનલમાં જયસાગર ડીઝલ પંપની બાજુમાં તેમની ઓફીસ આવેલી છે. વર્ષ 2020ની સાલમાં અમદાવાદનો નિર્મળ જયસુખ પટેલ તેની ઓફિસે આવ્યો હતો અને ઔપચારિક વાતચીત થતા બંને વચ્ચે ઓળખાણ થઇ હતી.
ડીઝલ પંપની વાતચીત
નિર્મળ પટેલે તેને 'હું જગ્યાની લીઝ કરાવી મંડળીઓના ડીઝલ પંપ પાસ કરવવાનું કામ કરુ છુ' તેમ કહેતા ફરિયાદીએ તેને 'મારે ડીઝલ પંપ પાસ કરાવવો છે તો શું પ્રોસેસ કરવી પડશે?' તેમ કહેતા તેણે એવુ જણાવ્યુ હતુ કે' તમારે લીઝવાળી જગ્યા જોશે તથા મંડળના બેન્ક સ્ટેટમેન્ટ જોશે' આથી ફરીયાદીએ તેને ડોકયુમેન્ટ તૈયાર થઇ જાય એટલે જાણ કરશે તેમ જણાવ્યુ હતુ.
ગાંધીનગરથી મંજૂરી કરાવી આપીશ
ફરીયાદીના મોટાભાઇ હેમંતભાઇએ ફોન કરીને નિર્મળ પટેલને એવુ જણાવ્યુ હતુ કે 'બંદર પર ડીઝલ પંપ નાખવાનું ફાઇનલ છે અને તેના માટે અમારી પાસે જી.એમ.બી.ની લીઝવાળી જગ્યા પણ છે.' આથી નિર્મળે જણાવ્યુ હતુ કે ડીઝલ પંપ નાખવા માટે તમારે ગાંધીનગરથી મંજૂરી મેળવવી પડશે તે મંજૂરી હું કરાવી આપીશ તેના માટે 64 લાખ રૂપિયા જેવો ખર્ચ થશે'
અંતે પ્રોસેસ થઇ શરૂ
ફરીયાદી જીતેન્દ્ર બરીદુન અને તેના ભાઇ હેમંતભાઇ વગેરે સાથે ચર્ચા કર્યા બાદ અંતે ડીઝલ પંપ માટે પ્રોસેસ ચાલુ કરવા નિર્ણય લેવાયો હતો અને તે અંગે નિર્મળ પટેલને ફોન કરીને જાણ કરી દીધી હતી. જેથી તેણે 'હું તમારું કામ ચાલુ કરી દઉ છું' પેમેન્ટનું કહુ ત્યારે પેમેન્ટ મોકલાવતા રહેજો. આથી ફરિયાદીએ પેમેન્ટ માટેની હા પાડીને આંગળીયા દ્વારા અને રોકડમાં રૂપિયા ચુકવવાનું શરૂ કર્યુ હતુ.
કહ્યુ તે પ્રમાણે રૂપિયા ચુકવ્યા
એ પછી નિર્મળ કહેતો તે પ્રમાણે રૂપિયાની ચુકવણી શરૂ થઇ હતી. તા. 27-12-2021ના 8 લાખ અને 7 લાખ, તા. 28-12-21ના 10 લાખ, તા. 20-1-22ના પાંચ લાખ, તા. 21-1-22ના 8 લાખ, તા. 28-1-22ના પાંચ લાખ, તા. 3-2-22ના પાંચ લાખ, તા. 14-7-23ના 10 હજાર, તા. 25-9-23ના 2 લાખ 50 હજાર એ રીતે પોરબંદરના પી.એમ. આંગડીયા મારફતે 50 લાખ 60 હજાર નિર્મળ પટેલને ચૂકવી દીધા હતા તે ઉપરાંત વર્ષ 2022માં નિર્મળ પટેલ રૂબરૂ ફરીયાદીની ઓફિસે ચાર વખત આવીને કટકે કટકે 13 લાખ 40 હજાર રોકડા લઇ ગયો હતો. જેમાં તેની સાથે લાલભાઇ નામની વ્યક્તિ પણ આવી હતી. છેલ્લુ પેમેન્ટ તા. 25-9-2023ના 2 લાખ 50 હજાર આંગળીયા મારફતે મોકલ્યા હતા અને નિર્મળે તેને 'તમારું કામ ત્રણથી છ મહિનામાં થઇ જશે' તેમ ખાત્રી આપી હતી.
અલગ-અલગ વાયદા આપ્યા
એ પછીના છ મહિના વીતી જવા છતાં ડીઝલ પંપ મંજૂર નહી થતા ફરીયાદીના મોટાભાઇ હેમંતભાઇએ નિર્મલ પટેલને ફોન પર અવારનવાર વાત કરતા તે સામેથી કહેતો કે 'તમારું કામ થઇ જશે' અને કોઇને કોઇ બહાના અને ખોટા વાયદા આપતો હતો.
રૂપિયા પાછા આપ
અંતે ફરિયાદીને જણાયુ કે નિર્મળ પટેલ છેતરી રહ્યો છે તેથી તેને ફોન કરીને 64 લાખ રૂપિયા પરત માંગતા તેણે એવી ખાત્રી આપી હતી કે તે ટૂંક સમયમાં તેના રૂપિયા પાછા આપી દેશે પરંતુ આમ છતાં તેણે રૂપિયા પાછા આપ્યા ન હતા અને ડીઝલ પંપ પણ મંજૂર કરાવ્યો ન હતો.
ફોન બંધ કરી દીધો
ત્યારબાદ ડીઝલ પંપ મંજૂર નહી કરાવનાર નિર્મલ પટેલે પોતાનો ફોન બંધ કરી દીધો હતો જેથી ફરીયાદીને પોતે છેતરાયા હોવાનું જણાતા તેના વિરૂધ્ધ ગાંધીનગર પોલીસ ભવનના ડી.આઇ.જી.ને સંબોધીને અરજી કરી હતી અને તે અનુસંધાને હાર્બર મરીન પોલીસને સૂચના અપાતા નિર્મળ જયસુખ પટેલ વિરૂધ્ધ 64 લાખ રૂપિયાની છેતરપીંડીનો ગુન્હો દાખલ થયો છે. આ બનાવે પોરબંદરના માચ્છીમારોમાં ભારે ચર્ચા જગાવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati