ઉદ્યોગનગર પોલીસે જૂનાગઢ અને કચ્છ પંથકના શખ્સોની કરી ધરપકડ: અગાઉ પણ આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ હોવાનું બહાર આવ્યુ
પોરબંદરના કોલીખડાથી બખરલા તરફ જતા રસ્તે પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરવાના ગુન્હામાં પોલીસે બે શખ્શોને પકડી પાડયા હતા.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા મિલ્કત સબંધી ચોરીના ગુન્હાઓને શોધી કાઢવા માટે સુચના કરેલ હોય જે અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ તથા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી.વાળાના માર્ગદર્શન હેઠળ પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા કોલીખડાથી બખરલા તરફ જતા રસ્તે આવેલા વિકાસ ઇન્ફા પ્રા.લી.ના આર.એમ.સી.
પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી થઇ હતી અને ગુન્હો દાખલ થતા ચોરીમાં ગયેલ મુદામાલ આર.એમ. સી. બેચીંગ મશીનો કોપર વાયર 60 કિલો કિ.રૂા. 1,90,000 ની ચોરી કરનાર ઇસમો જેમાં ગુંદલાગામે ગેબનશાહ પીરની દરગાહ પાસે રહેતો ઇરફાન નીઝામભાઇ સોરવદી જાણે ફકીર (મુસ્લીમ) ઉ.વ. 26, અને ધારબંગલો પાણીના ટાકા પાસે સુખનાથ ચોક જૂનાગઢ ખાતે રહેતો સંજય રાજુભાઇ સોલંકી ઉ.વ. 23, વિરમગામના મુસાફરી બંગલોની બાજુમાં રહેતો ઇમરાન યુસુબભાઇ શેખ ઉ.વ.30, રાજકોટમાં મોટી ટાંકી રોડ પાસે ફૂટપાથ પર રહેતો સન્ની વિજુભાઇ સોલંકી ઉ.વ. 24 ને શોધી કાઢવા માટે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. બી. પી. કારેણા તથા હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ ધુરીભા, હેડ કોન્સ્ટેબલ વિશાલભાઇ રવજીભાઇ, હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ ભોજુભા , પોલીસ કોન્સ્ટેબલ કનકસિંહ પરાક્રમસિંહ, પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ ગજેન્દ્રસિંહની અલગ અલગ ટીમ બનાવી રવાના થયેલ.
જે ટીમો દ્વારા ઉપરોકત આરોપીઓના નામે સરનામે તપાસ કરતા આ કામના આરોપીઓ ગુંદલા ગામના ઇરફાન નીઝામભાઇ સોરવદી અને જુનાગઢના સંજય રાજુભાઇ સોલંકીને હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સની મદદથી શોધી કાઢી હસ્તગત કરી વધુ તપાસ અર્થે પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે લાવી બંને આરોપીઓની ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા ઉપરોકત ગુન્હાની ચોરી કર્યા અંગેની કબુલાત આપતા હોય જેથી ઉપરોકત ગુન્હાના કામે બંને આરોપીઓની ધોરણસર અટક કરી ગણતરીની કલાકોમાં જ ચોરીના આરોપીઓને શોધી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં પી.આઇ. એમ.ડી.વાળા તથા એ.એસ.આઇ. ભાવીનભાઇ પ્રવીણભાઇ, હેડ કોન્સ્ટેબલ વિશાલભાઇ રવજીભાઇ , વિજયસિંહ ભોજુભા, દેવેન્દ્રસિંહ ધીરુભા, પોલીસ કોન્સ્ટેબલ વિજય જેન્તીલાલ, કનકસિંહ પરાક્રમસિંહ, ભૌતિકભાઇ હરિભાઇ તથા યશપાલસિંહ ગજેન્દ્રસિંહ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી
આ કામના આરોપીઓને આર્થિક તંગીના હિસાબે પૈસાની જરૂરત હોય આરોપીઓએ રાત્રીના સમયે વાયર કટીંગ કરવાની સાધન સમગ્રી સાથે હાઇવે ઉપર રેકી કરી જાહેરમાથી તેમજ માલિકીની મિલ્કતમાંથી કોપરના વાયરની ચોરી કરતા હતા.
પકડાયેલા બંને શખ્સો રીઢા ગુન્હેગાર
મુંદ્રાના ગુંદલા ગામે રહેતા ફરફાન નિઝામ સોરવદી અને જૂનાગઢના સંજય રાજુ સોલંકીનો ગુન્હાહિત ઇતિહાસ તપાસવામાં આવતા બંને રીઢા ગુન્હેગાર હોવાનું સામે આવ્યુ છે. ઇરફાન સામે આ ચોરીના ગુન્હા ઉપરાંત અગાઉ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુન્હો નોંધાઇ ચૂકયો છે. તો સંજય રાજુ સોલંકી સામે સાત જેટલા ગુન્હા અગાઉ નોંધાઇ ચૂકયા છે જેમાં વર્ષ 2016થી માંડીને વર્ષ 2024 સુધીમાં જૂનાગઢના એ ડીવીઝન, બી ડીવીઝન અને રેલ્વે પોલીસ સ્ટેશનમાં ખુન, ગેરકાયદેસર મંડળી રચવી, જાનથી મારી નાખવાની ધમકી આપવી સહિત ચોરીના ગુન્હાઓ દાખલ થઇ ચૂકયા છે. ત્યારે પોલીસે આ બંને ઇસમોની ઉંડાણથી પૂછપરછ હાથ ધરી છે.

