દક્ષિણ રેલવેના મહાપ્રબંધક શ્રી આર.એન. સિંહે વિશ્વસ્તરે પ્રસિદ્ધ પ્રકાશન સંસ્થા 'સાઇમન એન્ડ શૂસ્ટર' દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક, 'બિયોન્ડ ધ આઇવી લીગ: ટ્રેટ્સ, સ્કિલ્સ એન્ડ વિઝડમ ધેટ મેક ગ્રેટ લીડર્સ'નું વિમોચન 1 ઓગસ્ટના રોજ ઉત્કર્ષ હોલ, આઝાદ મેદાન પોલીસ ગેસ્ટ હાઉસ, ફોર્ટ, મુંબઈ ખાતે આયોજિત સમારંભમાં કર્યું હતું.
આ પુસ્તકનું ઔપચારિક વિમોચન મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક (ઉૠઙ) ડો. સદાનંદ વસંત દાતે દ્વારા પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડે, મધ્ય રેલવેના મહાપ્રબંધક રાજીવ શ્રીવાસ્તવ, રેલવેના વરિષ્ઠ અધિકારીઓ, શિક્ષણવિદો, વિશિષ્ટ અતિથિઓ અને આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
'બિયોન્ડ ધ આઇવી લીગ' એ આવશ્યક ગુણો, નિર્ણય લેવાની ક્ષમતાઓ અને વ્યાવહારિક જ્ઞાનની તપાસ કરે છે, જે ઔપચારિક શૈક્ષણિક લાયકાતોથી પર થઈને પરિવર્તનકારી નેતૃત્વને વ્યાખ્યાયિત કરે છે. ભારતીય રેલવે અને વરિષ્ઠ વહીવટી પદો પર ત્રણ દાયકાથી વધુની પોતાની વિશિષ્ટ સેવાના અનુભવોમાંથી તારણ કાઢતાં આર.એન. સિંહ વ્યૂહાત્મક શાસન, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, સંગઠનાત્મક શ્રેષ્ઠતા અને એક્ઝિક્યુટિવ નેતૃત્વ અંગે મૂલ્યવાન આંતરદૃષ્ટિ રજૂ કરે છે.
સભાને સંબોધિત કરતી વખતે આર.એન. સિંહે જણાવ્યું કે નેતૃત્વ ત્રણ મૂળભૂત સ્તંભો પર કેન્દ્રિત છે અને તે શૈક્ષણિક લાયકાતોથી ઘણું આગળ વધે છે. તેમણે ઉલ્લેખ કર્યો કે ભલે શિક્ષણ એક મજબૂત પાયો નાખે છે, પરંતુ સ્થાયી નેતૃત્વનું નિર્માણ ચારિત્ર્ય, અખંડિતતા (સત્યનિષ્ઠા), જ્ઞાન, વિશ્વાસ અને અન્ય લોકોને પ્રેરણા આપવાની ક્ષમતા પર થાય છે.
આ પ્રસંગે ડો. સદાનંદ વસંત દાતેએ નેતૃત્વ પ્રત્યેના વ્યવહારુ અભિગમ માટે પુસ્તકની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેમાં ચર્ચાયેલા સિદ્ધાંતો માત્ર વહીવટકર્તાઓ અને વ્યાવસાયિકો માટે જ સુસંગત નહીં રહે, પરંતુ ઝડપથી ગતિશીલ બની રહેલી દુનિયાનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ અને ભવિષ્યના નેતાઓ માટે પણ એટલા જ ઉપયોગી થશે.
