છેલ્લા એક મહિનામાં 170થી વધુ જવાનોની બદલી કરાઈ શહેર પોલીસ વિભાગમાં છેલ્લા 3 વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ વધુ 32 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીનો હુકમ કર્યો છે. અગાઉ છેલ્લા એક મહિનામાં આ ત્રીજી વખત બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. શહેર પોલીસ વિભાગમાં અલગ અલગ પોલીસ મથક તેમજ ટ્રાફિક શાખા સહીતના એક જ સ્થળે 3 વર્ષ કે તેથી વધુ સમય સુધી ફરજ બજાવતા હોય તેવા મોટા ભાગના તમામ પોલીસ કર્મીઓની બદલી કરવા માટે નિર્ણય કર્યા બાદ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા બદલીના હુકમો કરવામાં આવી રહ્યા છે.
જેમાં ગત 23 જુલાઈના રોજ પ્રથમ યાદી જાહેર કરી 49 કર્મીઓની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલીઓ કરવામાં આવી હતી અને તેમાં મોટાભાગે મહિલા પોલીસ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પછી 28 જુલાઈના રોજ વધુ એક બદલીનો લીથો તૈયાર કરી 88 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આજરોજ ત્રીજા હુકમમાં 32 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. બદલી પામેલા તમામ પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી છુટા કરી બદલીના સ્થળે હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે.

