સીડીપીઓને આવેદન આપીને સ્ટાફે વ્યક્ત કરી નારાજગી
રાજકોટ મહાપાલિકાની આંગણવાડીઓમાં બાળકોની સંખ્યા વધારવા અધિકારીઓ દ્વારા વધુ પડતું દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ ગુજરાત આંગણવાડી સંગઠન દ્વારા આજે મહાપાલિકાના સીડીપીઓ, પ્રોગ્રામ ઓફિસરને કરવામાં આવી છે.
આંગણવાડી કાર્યકરોએ આ રજુઆતમાં જણાવ્યું છે કે, આંગણવાડી કેન્દ્રના વિસ્તારમાં આવતા તમામ લાભાર્થીઓની નોંધણી નિયમ મુજબ કરવામાં આવેલ છે.
હાલ કેન્દ્રના વિસ્તારમાં ગર્ભવતી માતા, ધાત્રી માતા, 0 થી 6 વર્ષના બાળકો અને કિશોરીઓ સહિત તમામ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત વિસ્તારની સતત મુલાકાત, ઘર મુલાકાત, સ્થાનિક માહિતીના આધારે નવા લાભાર્થી ઉપલબ્ધ થાય તો તેમની નોંધણી પણ નિયમિત દર મહિને એમપીઆરમાં ભરીને આપવામાં આવે છે. હાલમાં વિસ્તારમાં નવા લાભાર્થી ઉપલબ્ધ ન હોવા છતાં ટાર્ગેટ પૂર્ણ કરવા માટે વધારાના લાભાર્થી ઉમેરવા દબાણ કરવામાં આવી રહ્યું છે જે યોગ્ય નથી. વિસ્તાર બહારના લાભાર્થીના નામ ચડાવ્યા પછી દુર પડતું હોય તો આંગણવાડીમાં મોકલતા નથી. જેથી ઓનલાઇન આંકડા તથા આંગણવાડીમાં વાસ્તવિક બાળકોની સંખ્યામાં ખુબ જ તફાવત આવે છે.
તો આ પરિસ્થિતિમાં અધિકારી દ્વારા જયારે આવા ટાર્ગેટ પુરા કરાવવા કામ કરાવવામાં આવે અથવા આઇસીડીએસની યોજના ઉપરાંત પણ કામ કરવામાં આવે તો પરિપત્ર સાથે કામ આપવું જોઇએ. વાસ્તવિક પરિસ્થિતિના ફેરફાર માટે અધિકારી જવાબદાર રહેશે જેમ કે કાર્યકર તરીકે તેઓનું કાર્ય, આવી સાચી અને વાસ્તવિક માહિતી સરકારને પહોંચાડવાનું છે. અંતમાં જણાવ્યું છે કે ખોટી માહિતી દાખલ કર્યા પછી જે કંઇ થાય તેની જવાબદારી તંત્ર લેતું નથી અને વર્કરની જવાબદારી બની જાય છે. તે યોગ્ય ગણાય નહીં. હાલ વિસ્તારમાં ઉપલબ્ધ તમામ લાભાર્થીઓની નોંધણી (ન્યુ રઘવીર ગ્રુપ, વોર્ડ નં.14) પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક આંગણવાડીમાં બાળકોની સંખ્યા પ0 થી વધુ છે અને કેન્દ્ર 3પ0 છે. તો સંખ્યા પ્રમાણે નવા કેન્દ્ર કોર્પો. કક્ષાએ ખોલવા પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. નવા લાભાર્થી ઉપલબ્ધ થાય એટલે તત્કાલ નિયમ મુજબ નોંધણી કરાવવામાં આવશે.

