માતા-પુત્ર ખોડાપીપર ગામે બહેનના ઘરે આંટો મારવા ગયા બાદ ઘટી ઘટના : પોલીસ ફરિયાદ
રાજકોટ શહેરના કાગદળી ગામમાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. ગામમાં બસ સ્ટેશન પાછળ આવેલા સો વારિયા પ્લોટ વિસ્તારમાં રહેતા અને ગવરીદળ ખાતે આર.ઓ. પ્લાન્ટનો વ્યવસાય ચલાવતા ધર્મેન્દ્રભાઈ પરષોતમભાઈ રામાણીના મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
ગત તારીખ 26 ઓગસ્ટ 2026ના રોજ બપોરના આશરે બારેક વાગ્યાના સુમારે ધર્મેન્દ્રભાઈ અને તેમના માતા ભાનુબેન ઘરના મુખ્ય દરવાજે તથા બહારની ડેલીએ તાળાં લગાવીને ખોડાપીપળ ખાતે રહેતા પોતાના બહેનના ઘરે ગયા હતા. તે દરમિયાન બપોરના 12:00 થી સાંજના 6:00 વાગ્યાના સમયગાળા વચ્ચે અજાણ્યો ચોર ઈસમ ઘરની ઓસરીના દરવાજાનું તાળું તોડી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ગયો હતો. સાંજે આશરે છ વાગ્યાના સુમારે પરિવાર પરત ઘરે આવ્યો ત્યારે ઘરની ઓસરીના દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. ઘરમાં તપાસ કરતા તમામ સામાન વેરવિખેર પડેલો હતો અને અંદરના રૂૂમમાં રાખેલા લોખંડના કબાટના તાળાં પણ તોડેલા જણાયા હતા.
કબાટમાં રાખેલી રૂૂ. 11,000ની રોકડ રકમ ગાયબ હતી. આ ઉપરાંત ફરિયાદીના બહેન બીનાબેને પોતાના ઘરેણાં સાચવવા આપ્યા હતા, જેમાં ત્રણ તોલાનું સોનાનું મંગળસૂત્ર તથા બુટી, દોઢ તોલાના ત્રણ પેન્ડલ અને એક તોલાની બે વીંટી મળીને રૂૂ. 88,000ની કિંમતના સાડા પાંચ તોલા સોનાના દાગીના ચોરાયા હતા.
તેમજ માતા ભાનુબેનનું સાડા ચાર તોલાનું મંગળસૂત્ર, બે તોલાનો પેન્ડલ સેટ અને એક તોલાના સોનાના ત્રણ દાણા મળીને રૂૂ. 3,66,000ની કિંમતના સાડા સાત તોલા સોનાના ઘરેણાં પર ચોરોએ હાથસાફ કર્યો હતો. સોનાના કિંમતી ઘરેણાં ઉપરાંત તસ્કરો કબાટમાં રાખેલા ચાંદીના દાગીના પણ ચોરી ગયા હતા. જેમાં ચાંદીની ત્રણ જોડી સાંકળા, બે લક્કી, એક કંદોરો અને ત્રણ ચાંદીના સિક્કા મળીને આશરે રૂૂ.
30,000ની કિંમતના ચાંદીના વાસણ-દાગીનાનો સમાવેશ થાય છે. આમ અજાણ્યો તસ્કર સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ મળીને એકંદર રૂૂ. 4,95,000ની મત્તા ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.આ ઘટના બાદ પરિવારે દાગીનાના બિલ એકઠા કરીને કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ધર્મેન્દ્રભાઈ રામાણીની ફરિયાદના આધારે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

