Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

રાજકોટમાં વિરાસતથી વિકાસ લોકમેળામાં 1700 પોલીસ જવાનોનું સુરક્ષા કવચ

સીસીટીવી, ડ્રોન કેમેરા અને હાઇટેક પેટ્રોલીંગ સાથે પ્રથમવાર શોલ્ડર બિકનનો ઉપયોગ કરાશે

રાજકોટના ઐતિહાસિક અને લોકપ્રિય રેસકોર્સના મેદાનમાં આગામી તા. 2 થી તા. 6 સપ્ટેમ્બર સુધી યોજાનાર વિરાસતથી વિકાસ લોકમેળાને લઇને પોલીસ તંત્ર તથા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મેળો માણવા આવનાર લાખો લોકોની સુરક્ષા અને સલામતી માટે રાજકોટ પોલીસે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.

રેસકોર્ષ રાઉન્ડ ખાતે યોજાનાર લોકમેળાની સુરક્ષા માટે ચાર ડીસીપી સહિત 1750 પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ મેળા પર 16 વોચ ટાવર તેમજ 76 સીસીટીવી કેમેરાથી નજર રાખશે. તા.2 થી તા.6 સપ્ટેમ્બર સુધી યોજાનાર લોકમેળામાં સુરક્ષા માટે પોલીસ કમિશ્ર્નર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્ર્નર ચૈતન્ય માંડલિકના નિરિક્ષણ હેઠળ હાઈ લેવલની સુરક્ષાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. મેળવામાં દર વર્ષથી જેમ ખાસ કંટ્રોલ રૂૂમ બનાવવામાં આવશે તેમજ મુખ્ય સ્ટેજ પાસે પણ પોલીસ અધિકારીઓ માટે અલગથી કંટ્રોલ રૂૂમ તૈયાર કરવામાં આવ્યો છે.
મેળાની સુરક્ષા માટે 1750 પોલીસ સાથે 100 એસઆરપીની ફાળવવામાં આવી છે. લોકમેળાની સુરક્ષા વ્યવસ્થા માટે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-1 હેતલ પટેલ, ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ અને ડીસીપી હરપાલસિંહ જાડેજાની રાહબરિમા ચાર એસીપી, 15 પીઆઇ, 53 પીએસઆઇ, તેમજ 520 હેડ કોન્સ્ટેબલ- કોન્સ્ટેબલ, ટીઆરબીના 700 જવાન તેમજ હોમગાર્ડના જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. લોકમેળામાં 16 વોચ ટાવર અને એક ધાબા પોઇન્ટ પણ ગોઠવવામાં આવ્યો છે જ્યાંથી તમામ લોકમેળા ઉપર પોલીસની બાજ નજર રહેશે તેમજ દરેક ગેટ વાઇઝ એક પીએસઆઇને જવાબદારી સોંપવામાં આવી છે, જે હેન્ડસેટ અને મેટલ ડિટેક્ટ સાથે હાજર રહી ખાસ આવતા જતા લોકો પર નજર રાખશે તેમજ ખાસ છેડતીના બનાવો રોકવા એન્ટી રોમિયો સ્કોડ અને મોબાઈલ અને પાકીટ ચોરીના બનાવો અટકાવવા ક્રાઈમ બ્રાન્ચ એસઓજીની ટીમો ખાનગી ડ્રેસમાં લુખ્ખા અને અસામાજિક તત્વો ઉપર નજર રાખશે. આ વખતે રાજકોટ શહેર પોલીસ દ્વારા એક અનોખી અને આધુનિક પહેલ કરવામાં આવી રહી છે. લોકમેળાના ઇતિહાસમાં પ્રથમ વખત પોલીસ જવાનો માટે ખાસ 'શોલ્ડર બિકન' ડિવાઇસનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શોલ્ડર બિકન ટેકનોલોજીથી અસામાજિક તત્વો પર અંકુશ જે રીતે પોલીસ વાહનો પર લાલ અને વાદળી રંગની લાઇટો સતત ઝબકતી (ફ્લેશ થતી) હોય છે, તે જ તકનીક પર આધારિત આ નાનું અને પોર્ટેબલ 'શોલ્ડર બિકન' ડિવાઇસ પોલીસ જવાનોના ખભા પર લગાવવામાં આવશે. આ ડિવાઇસમાંથી સતત લાઇટો ઝગમગતી રહેશે. રાત્રિના સમયે કે ભીડભાડવાળા વિસ્તારોમાં આ લાઇટના કારણે દૂરથી જ લોકોને અને અસામાજિક તત્વોને પોલીસની હાજરીનો સ્પષ્ટ અહેસાસ થશે. તંત્રનો મુખ્ય હેતુ એ છે કે ગુનેગારો પોલીસની હાજરી જોઈને જ ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા અટકે. જોકે, આ ખાસ ડિવાઇસ ફિક્સ પોઇન્ટ પર તૈનાત સ્ટાફને આપવામાં નહીં આવે, પરંતુ મેળાવડામાં સતત પગપાળા પેટ્રોલિંગ કરતા પોલીસ સ્ટાફ, એન્ટી-રોમિયો સ્કવોડ અને એન્ટી-પીકપોકેટીંગ સ્કવોડના જવાનોને જ સોંપવામાં આવશે. દર વખતે લોકમેળામાં ખિસ્સા કાતરવાના, પર્સ- મોબાઇલ ચોરીના તથા મહિલાઓની છેડતીના બનાવો સામે આવતા હોય છે, જેના પર આ વખતે કડક અંકુશ લાવવા માટે આ ખાસ આયોજન કરાયું છે. ઉપરાંત લોકમેળા દરમિયાન રેસકોર્સ વિસ્તારમાં નાગરિકોની અતિશય ભીડ રહેતી હોવાથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati