Dailyhunt
રાજકોટના ચકચારી ટીઆરપી ઝોન અગ્નિકાંડ મામલે મનપાને ઇન્કવાયરી રિપોર્ટ રજુ કરવા હાઇકોર્ટનો હુકમ

રાજકોટના ચકચારી ટીઆરપી ઝોન અગ્નિકાંડ મામલે મનપાને ઇન્કવાયરી રિપોર્ટ રજુ કરવા હાઇકોર્ટનો હુકમ

નપાના અધિકારીઓ સામેનો કોઇ રિપોર્ટ અદાલતમાં રજુ ન કરાતા ભોગ બનનારના વારસદારોએ ગુજરાત હાઇકોર્ટમાં ધા નાખેલી: મનપાએ 10 જુલાઇની મુદતે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીનો રિપોર્ટ રજુ કરવો પડશે

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં મનપાના અધિકારીઓ સામેની ઈન્કવાયરી પૂર્ણ કરી રિપોર્ટ રજૂ કરવા ગુજરાત હાઇકોર્ટએ આદેશ કર્યો છે. નવેમ્બર 2025 પછી અદાલતમાં કોઈ રિપોર્ટ ન અપાતા ભોગ બનનારના વારસદાર તરફે વકીલે હાઇકોર્ટમાં દલીલો કરી હતી.

જેથી હવે રાજકોટ માનપાએ આગામી 10 જુલાઈની મુદ્દતે ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરીનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરવો પડશે.
સમગ્ર કેસની વિગત જોઈએ તો, તા.25 મે 2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતા 27 લોકોના મોત થયા હતા અને ત્રણેક લોકોને ઇજા થઇ હતી. જે અંગે તાલુકા પોલીસે ફરિયાદી બની આઈપીસી કલમ-304, 308, 337, 338, 36, 465, 466, 471, 474, 201, 120(બી) તથા 114 મુજબ ગુન્હો નોંધાયેલ હતો અને 16 આરોપી દર્શાવ્યા હતા. જેમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો (1) ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો (2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, (3) કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, (4) પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન, (5) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, (6) રાહુલ લલિત રાઠોડ, ગેમઝોન મેનેજર (7) નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર (8) મનસુખ ધનજી સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ (9) ગૌતમ દેવશંકર જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ (10) મુકેશ રામજી મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર (11) રોહીત આસમલ વિગોરા, ટીપી શાખાના આસિસ્ટન્ટ એન્જીનીયર (12) જયદીપ બાલુ ચૌધરી (13) રાજેશ નરશી મકવાણા, ચીફ ફાયર ઓફિસર (14) ઇલેશ વાલા ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર (15) ભીખા જીવા ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર (16) મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો હતો. જેમાં અગ્નિકાંડના બનાવમાં પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરનનું મોત થયું હતું. જેથી બાકીના 15 આરોપીની ધરપકડ બાદ જેલ હવાલે રહ્યા હતા. હાલ તમામ આરોપીઓ જામીન મુક્ત છે.
ભોગ બનનારનાં વારસદારોને 1 કરોડનું વળતર રાજકોટ મ્યુ.કોર્પોરેશન ચૂકવે તેવી માંગણી સાથે અરજી થઈ છે. જેમાં તા. 27/3/2026નાં રોજ હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં અરજદાર તરફે રોકાયેલા વકીલ દ્વારા દલીલ કરાઈ હતી. હાઇકોર્ટે તારીખ 2 5 2025 ના રોજ એવો હુકમ કર્યો હતો કે રાજકોટ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામેની ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી પૂર્ણ કરીને તેનો રિપોર્ટ તા.18/7/2025 સુધીમાં હાઇકોર્ટને કરવો. જે પછી તા.12/11/2025નાં રોજ રાજકોટ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર નંદકુમાર કાંતિલાલ રામાનુજ દ્વારા કોર્ટમાં સોગંદનામુ રજૂ કરાયું હતું. જે મુજબ તે સમયે પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. જ્યારે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા અને ટીપીઓ મનસુખ સાગઠીયા ની જામીન અરજી ચાલતી હતી. તે સમયે જેલમાંથી ઇન્કવાયરી કરવા માટે પરવાનગી સેશન્સ પાસે મંગાઈ હતી જે મંજૂર થઈ હતી. આ દરમ્યાન જેલમાંથી જામીન પર છૂટી ગયેલા આસિસ્ટન્ટ ઇજનેર જયદીપ ચૌધરી, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર મુકેશ મકવાણા, એટીપીઓ રાજેશ મકવાણા અને ગૌતમ જોશી સામે ઇન્કવાયરી કરીને તેનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સુપ્રત કરાયો હતો. તા.11/11/2025 ના રોજ મ્યુનિસિપલ કમિશનરે આ રિપોર્ટ ઉપર સામેવાળાઓનો રીપ્લાય માંગ્યો હતો અને નોટિસ કરી હતી. જ્યારે ઇલેશ ખેર, ભીખા ઠેબા અને મનસુખ સાગઠીયા સામે ઈન્કવાયરી પેન્ડિંગ હોવાનું જણાવાયું હતું. તા.12/11/2025 પછી આ ઇન્કવાયરીઓ અંગે કોર્ટને કોઈ જ માહિતી આપવામાં આવી નથી. જેથી હાઈકોર્ટે આગામી મુદ્દત તા.10 જુલાઈ 2026ના રોજ ઈન્કવાયરી પૂર્ણ કરી રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવા રાજકોટ મનપાને આદેશ કર્યો છે.
મૃતક દીઠ 1 કરોડનું વળતર મંગાયું છે
એડવોકેટ નરેન્દ્રસિંહ આર. જાડેજાએ જણાવ્યું કે, અગ્નિકાંડમાં ભોગ બનનારના વારસદાર અરજદાર દ્વારા હાઇકોર્ટમાં જે તે સમયે એક અરજી કરવામાં આવી હતી અને મૃતકના વારસદારને એક કરોડ રૂપિયાનું વળતર મળે તેવી માંગ કરાઈ હતી. આ અરજી પર હાલ સુનાવણી ચાલુ છે અને તે અરજીના કામે જ અધિકારીઓ સામે ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી થઈ છે તેનો રિપોર્ટ રાજકોટ મનપા હાઈકોર્ટમાં રજૂ કરે તેવી દલીલ થઈ હતી. જે દલીલ ધ્યાને લઈને રિપોર્ટ રજૂ કરવા આદેશ થયો છે. આ અરજીના કામે ભોગ બનનાર વતી એડવોકેટ નરેન્દ્રસિંહ આર. જાડેજા, ભાવેશ હઝારે, રમેશ જાદવ, પદ્મિની પરમાર, કીર્તિ હડિયા રોકાયેલ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati