બડા બજરંગ મંદિરેથી પ્રસ્થાન થયેલ રથયાત્રાનું બાલાજી મંદિરે થયું સમાપન : કેક કાપી ઉજવણી કરાઈ સુંદરકાંડ પાઠ, મહાઆરતી, હનુમાન ચાલીસાના પાઠ, બટુક ભોજન, સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
આજે મારૂતિનંદન હનુમાનજી મહારાજના પ્રાગટય પર્વમાં સમગ્ર રાજકોટ હનુમાનમય બન્યુ છે.રાજકોટના તમામ વિસ્તારોમાં આવેલા હનુમાનજી મહારાજના મંદિરો,ડેરીઓમાં હનુમાનજી સાથે ઉજવણી થઈ રહી છે.
રાજકોટના પ્રસિદ્ધ હનુમાનજી મંદિરો બાલાજી હનુમાનજી મંદિર, બાલક હનુમાનજી મંદિર, સૂતા હનુમાન, સાત હનુમાન, ચમત્કારી હનુમાન મંદિર, સંકલ્પ સિદ્ધ હનુમાન મંદિર, પંચનાથ ચોકના હનુમાન મંદિર, સહિતના નાના હનુમાનજીના મંદિરોમાં આજ સવારથી જ ભકતોની ભારે ભીડ જોવા મળી રહી છે.મંદિરોને સુશોભન તથા રોશનીના શણગાર કરાયા છે. જાણીતા મંદિરો -ડેરીઓમાં ભકિત સંગીતની સુરાવલીઓ સવારથી જ ગુંજી ઉઠ્યો હતો.
હનુમાન જયંતિ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આજે બપોરે 4.30 કલાકે બડા બજરંગ હનુમાનજી મંદિર,16 રામનાથ પરાથી રથયાત્રાનું પ્રસ્થાન થયેલ. બડા બજરંગ મંદિરથી રથયાત્રા શરૂ થઈને ગરૂડ ગરબી ચોક, વિરાણી વાડી ચોક, હાથીખાના મેઈન રોડ થઈને રામમઢી ચોક, કેનાલ રોડ, ગુંદાવાડી ચોક, પેલેસ રોડ થઈને કેનાલ રોડ, ગુંદાવાડી ચોક, પેલેસ રોડ સંતોષ ડેરીની સામેની ગલીમાં ચબુતરા ચોક થઈને પ્રહલાદ રોડ, ભુપેન્દ્ર રોડ થઈને બાલાજી મંદિરે સમાપન થશે.રથયાત્રા વિશેષ આકર્ષક ફલોટસ રજૂ થશે દર વર્ષે વિશાળ સંખ્યામાં લોકો હનુમાન દાદાની રથયાત્રાના દર્શન અર્થે આવતા હોય છે.બડા બજરંગ ફાઉન્ડેશનના પ્રમુખ કલ્પેશ ગમારા, દિનેશ મુનવાણી, રવિ ભટ્ટી, વિજય મકવાણા, વિજય મુનવાણી તથા અન્યોએ ભારે જહેમત ઉઠાવી છે.
બાલાજી હનુમાનજી મંદિર
બાલાજી હનુમાનજી મંદિરે કેક કટીંગ સાથે હનુમાનદાદાના જન્મ વધામણા કરાયા હતા.આજે સવારે મંગળા આરતી, સુવર્ણ-ચાંદીના વાઘાનો શણગાર કરાયો છે. બપોરે અન્નકુટ ધરવામાં આવેલ બપોરે 12 વાગે આરતી તથા ધજારોહણ કરવામાં આવેલ તથા 108 કુંડી નિ:શુલ્ક મહામારૂતિ યજ્ઞનું આયોજન કરાયું છે.
આ પ્રસંગે સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી શ્રી રાધારમણ સ્વામી, બાલાજી હનુમાનજી મંદિરના મહંત શ્રી વિવેકસાગર સ્વામી, સંતશ્રી મુનિવત્સલ સ્વામી વગેરેના સાંનિધ્યમાં બાલાજી હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ભવ્યરીતે ઉજવવામાં આવ્યો હતો.
સંકલ્પસિદ્ધ હનુમાનજીમહારાજ મંદિર
સંકલ્પસિદ્ધ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ઉમંગભેર ઉજવણી થઈ હતી. સવારથી જ દર્શનાર્થીઓેની કતાર જોવા મળી હતી. સાંજે 7થી 11 સુધી વિવિધ આરતીઓ યોજાશે રાતના 11.30 કલાકે કેક સેરેમની રાતના બાર વાગે મહાઆરતી તથા આતશબાજી કરવામાં આવી હતી. ત્રિમૂર્તિ બાલાજી મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોને અંતર્ગત 21 કિલો લાડુનો રાજભોગ ધરાવાયો છે સુંદરકાંડના પાઠ મહાઆરતી તથા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા છે. જીવનનગરમાં બટુક ભોજન પ્રસાદ, સુંદરકાંડ, હનુમાન ચાલીસા, ભજન-ધુન સત્સંગના કાર્યક્રમો યોજાયા છે. કપિલા હનુમાનજી ચૈતન્ય ધામમાં હનુમાન જયંતિ નિમિતે મારૂતિ મહાપડા બટુક ભોજન, સુંદરકાંડના પાઠ, ચૈતન્ય મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા છે. કુવાડવા રોડ સાત હનુમાન મંદિર સવારે મારૂતિ યજ્ઞ તથા દાદાનો તેલ અભિષેક યોજાયો હતો.સાંજે સુંદરકાંડના પાઠ યોજવામાં આવેલ છે. તેમ સાત હનુમાન મંદિરના મહંત ત્રિભોવનદાસ કુબાવત, પુજારી જગદીશભાઈ કુબાવતે જણાવેલ છે. રાજકોટમાં વિવિધ વિસ્તારોમાં આવેલ હનુમાનજીની ડેરીમાં હનુમાન જયંતિ નિમિતે મહાઆરતી, ડી.જે.તથા બટુક ભોજન વગેરેના આયોજનો થયા છે. આજે સમગ્ર રાજકોટ હનુમાનભકિતમાં લીન બન્યું છે.
પંચનાથ મંદિર ખાતે સંકલન ભજન દ્વારા અયપ્પા ભક્તિનું પાવન પૂનર્જાગરણ
શુભ અને પવિત્ર ઉત્તરમ નક્ષત્રના અવસરે રાજકોટના ભગવાન અય્યપ્પાના ભક્તો દ્વારા એક અનોખી અને આધ્યાત્મિક પહેલરૂપે મંદિર સંકલન ભજનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વિશે વિશેષ માહિતી આપતા પ્રમુખ ડો. સંજુ પિલ્લાઇ ઉપપ્રમુખ રાજેશ પિલ્લાઈ, સેક્રેટરીગોપાલ કૃષ્ણ પિલ્લાઇ વિશેષ જણાવે છે કે,પવિત્ર ભજન કાર્યક્રમ શહેરના ઐતિહાસિક અને પાવન પંચનાથ મંદિર ખાતે યોજાશે.
આ આયોજન માત્ર એક ભજન કાર્યક્રમ નહીં પરંતુ ભક્તિભાવ અને આધ્યાત્મિક સ્મૃતિઓ સાથે જોડાયેલું એક વિશેષ પ્રસંગ છેમ વર્ષો પહેલાં, જ્યારે રાજકોટમાં અય્યપ્પા મંદિરનું નિર્માણ થયું નહોતું, ત્યારે પંચનાથ મંદિર ખાતે ભગવાન અય્યપ્પાની માત્ર એક પવિત્ર તસ્વીર સ્થાપિત કરીને ભજનની શરૂઆત કરવામાં આવી હતીમ ભક્તોની નિષ્કપટ શ્રદ્ધા, સમર્પણ અને એકતાના ભાવથી આ નાનકડી શરૂઆત આજે એક વિશાળ અને સશક્ત આધ્યાત્મિક પરંપરામાં વિકસિત થઈ છે.
મંદિર સંકલન ભજન પહેલનો મુખ્ય હેતુ રાજકોટના વિવિધ મંદિરો અને ભક્તોને એક સૂત્રમાં બાંધવાનો છેમ આ પહેલ દ્વારા ભક્તોમાં પરસ્પર સ્નેહ, સહકાર અને આધ્યાત્મિક એકતાનો વિકાસ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
આગામી સમયમાં દર મહિને ભગવાન અય્યપ્પા માટે અત્યંત પવિત્ર માનાતા ઉત્તરમ નક્ષત્રના દિવસે રાજકોટના વિવિધ મંદિરોમાં ક્રમશ: ભજન કાર્યક્રમો યોજવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
આ પાવન પ્રસંગે તમામ ભક્તોને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે કે તેઓ મોટી સંખ્યામાં હાજર રહી ભજનમાં ભાગ લઈ પોતાના જીવનને ધન્ય બનાવેમ ભજન કાર્યક્રમ સાંજે 7:00 વાગ્યે પંચનાથ મંદિર ખાતે શરૂ થશે. સ્વામિયે શરણમ અય્યપ્પાના પવિત્ર ગુંજન સાથે આ ભજન સંધ્યા ભક્તિ, શ્રદ્ધા, એકતા અને આધ્યાત્મિક આનંદનો અનોખો અનુભવ કરાવશે.
રૂડાનગર-3માં કાળા હનુમાનજી મંદિરનું ભવ્ય પુન:નિર્માણ
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટના કાલાવડ રોડ પર આવેલા રૂડાનગર-3 વિસ્તારમાં સ્થિત પ્રાચીન કાળા હનુમાનજી મંદિરનું ભવ્ય પુન:નિર્માણ પૂર્ણ થતાં આજે ઉદઘાટન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજારો શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરનું પુન:નિર્માણ સાવરકુંડલા વાળા તથા હાલ મુંબઈ સ્થાયી અમિતભાઈ કિરીટભાઈ મગીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં આ પ્રકારનું કાળા સ્વરૂપ ધરાવતું હનુમાનજીનું આ એકમાત્ર મંદિર ગણાય છે. આ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા કાળા પથ્થરમાંથી બનાવવામાં આવી છે, જે શક્તિ અને રક્ષણનું પ્રતીક માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે અહીં હનુમાનજીને તેલના બદલે ગુલાબના અત્તરથી અભિષેક કરવામાં આવે છે, જે અનોખી પરંપરા તરીકે જાણીતી છે. ઇતિહાસ અનુસાર, પ્રાચીન સમયમાં એક યોગી સંતને સ્વપ્નમાં દર્શન થતાં અહીં નાનું મંદિર બનાવાયું હતું. સમય જતાં મંદિર જર્જરિત બની ગયું હતું, જેને હવે ભવ્ય રૂપ આપવામાં આવ્યું છે. ચૈત્ર પૂર્ણિમા-હનુમાન જયંતિના શુભ દિવસે પ્રતિમાની પુન:સ્થાપના કરવામાં આવી હતી. મંદિર સંચાલન 'જીવો-રાજકોટ' સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

