રમકડા સહિતના બાકી રહેલા 30 સ્ટોલની હરાજીમાં તંત્રને ધાર્યા કરતા વધુ આવક થઇ
રાજકોટમાં યોજાનાર જન્માષ્ટમી લોકમેળા માટે બાકી રહેતા 40 સ્ટોલ અને પ્લોટ માટે આજે હરાજી રાખવામા આવી હતી. અપસેટ પ્રાઇઝથી ધાર્યા કરતા વધુ આવક કલેકટર તંત્રને થઇ છે. કલેકટર તંત્ર અને લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા જન્માષ્ટમીના પાંચ દિવસીય લોકમેળાના 130 જેટલા સ્ટોલ-પ્લોટની ગઈકાલે ડ્રોથી વેપારીઓને ફાળવણી કરી દેવામાં આવ્યા બાદ આજે પીડી માલવીયા કોલેજ પાસે આવેલી દક્ષિણ મામલતદાર કચેરી ખાતે 40 સ્ટોલ-પ્લોટ માટે હરરાજી કરવામાં આવી હતી.
હવે આવતીકાલે બુધવારે યાંત્રિક રાઇડસ અને આઇસ્ક્રીમના સ્ટોલ માટે હરાજી થશે.
જીલ્લા કલેકટર ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ સીટી પ્રાંત-1 અધિકારી ઝાપડાની રાહબરી હેઠળ યોજાયેલ આ હરરાજીમાં કેટેગરી-એ (એકસ્પો), એકઝીબીશન, વિવિધ-શો અને અન્ય પ્રદર્શન, કેટેગરી-બી/1 ખાણીપીણી, કેટેગરી ઈ-યાંત્રીક, કેટેગરી એફ-યાંત્રીક અને કેટેગરી જી-યાંત્રીક તેમજ કેટેગરી એચ-યાંત્રીક અને કેટેગરી એકસ- આઈસ્ક્રીમના સ્ટોલ માટે આજથી હરરાજીની કાર્યવાહી શરૂ થયેલ છે. જે આગામી તા.8 સુધી ચાલનાર છે.
જેમાં આજે 40 સ્ટોલ માટે હરરાજીની પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં નિયત કરાયેલ અપસેટ પ્રાઈઝ કરતા વેપારીઓએ ઉંચી બોલી લગાવી ફટાફટ સ્ટોલ-પ્લોટ ખરીદી લીધા હતા. વેપારીઓએ રૂા.1 લાખથી શરૂ કરી રૂા.2 લાખ સુધીની તોતીંગ બોલી લગાવી હતી. જેના પગલે અપસેટ પ્રાઈઝ કરતા ત્રણ ગણી રકમની આવક કલેકટર તંત્રને થવા પામી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ હરરાજીમાં 30 પ્લોટ ફટાફટ વેંચાઈ ગયા હતા. હરરાજીમાં વેપારીઓએ લગાવેલી ઉંચી બોલીએ રેકોર્ડ સર્જી દીધો હોવાનું કહેવાય છે. આ તમામ સ્ટોલમાં અપસેટ પ્રાઈઝ કરતા વેપારીઓએ ઉંચી બોલી લગાવી પ્લોટ-સ્ટોલ ખરીદ કર્યાનું સુત્રોએ જણાવ્યું હતું.
