Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજકોટની ભાગોળે ડમ્પર હડફેટે સ્કૂટર ચાલક યુવકનું મોત

રાજકોટની ભાગોળે ડમ્પર હડફેટે સ્કૂટર ચાલક યુવકનું મોત

કુવાડવા ગામે મિત્રની રીક્ષા બંધ પડતા ત્રણ મિત્રોે અલગ-અલગ વાહન લઈ મદદે જતા કાળ ભેટ્યો

વાહન અકસ્માતના વધુ એક બનાવમાં એક પરિવારના યુવાન દિકરાનું મૃત્યુ થયું છે. પરમ દિવસે કાગદડીના પાટીયે ચા પીવા જવા નીકળેલા વાછકપરના યુવાનનું ટ્રકની ઠોકરે મૃત્યુ થયું હતું. ત્યાં ગત રાતે કુવાડવા નજીક માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે એકટીવા ચડી જતાં એક્ટીવા ચાલક ચુનારાવાડના યુવાનનું માથામાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું છે.

મિત્રની રિક્ષા કુવાડવા પાસે બંધ પડી હોઇ આ યુવાન સહિત બીજા બે મળી ત્રણ મિત્રો અલગ અલગ વાહનમાં કુવાડવા મિત્રને મદદ કરવા જઇ રહ્યા હતાં ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચુનારાવાડ શેરી નં. 7માં રહેતો મહેશભાઇ લક્ષમણભાઇ બોળીયા (ઉ.વ.30) નામનો યુવાન ગત રાતે સાડા દસેક વાગ્યે એકટીવા હંકારીને રાજકોટથી કુવાડવા તરફ જતો હતો ત્યારે માલિયાસણ પાસે પહોંચતા એક ડમ્પર નં. જીજે03બીવાય- 7370ની ઠોકરે ચડી જતાં ફંગોળાયા બાદ ડમ્પરની વચ્ચે આવી જતાં માથા પર જોટો ફરી વળતાં માથાનો છૂંદો બોલી ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું.

આ અકસ્માતના બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. પોલીસને જાણ થતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના એન. એમ. શીરોડીયા સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર યુવાનની ઓળખ અન્ય વાહનમાં પાછળ રહેલા તેના મિત્રોએ કરી હતી. મૃત્યુ પામનાર મહેશભાઇ રાજકોટ ચુનારાવાડમાં રહેતો હતો અને કારખાનામાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati