Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સાસણમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી

સાસણમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી

જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં લાભાર્થીઓ અને વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર નાગરિકોનું સન્માન

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે જિલ્લા કક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આદિવાસી સમાજની સંસ્કૃતિ, વિરાસત, શૌર્ય અને બલિદાનને યાદ કરી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયતનાં પ્રમુખ લીનાબેન કાવાણીએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ એ આદિવાસી સમાજની સંસ્કૃતિ, વિરાસત, શૌર્ય, સંઘર્ષ, સાહસ, બલિદાન, દેશપ્રેમ અને અસ્મિતાને યાદ કરવાનો પાવન અવસર છે. વર્ષ 2021થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં આ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજ શાસનના અન્યાય અને શોષણ સામે આદિવાસી સમાજને સંગઠિત કરી જળ, જંગલ અને જમીનના અધિકારો માટે સંઘર્ષ કર્યો હતો. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા 12થી 18 નવેમ્બર દરમિયાન રાજ્યભરમાં જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર નાગરિકોનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્થાનિક સીદી સમુદાયના કલાકારોએ પરંપરાગત ધમાલ નૃત્ય રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. સાથે જ જનજાતીય ગૌરવ દિવસને અનુરૂપ દસ્તાવેજી ચલચિત્રનું પ્રસારણ પણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્યો ભગવાનજી કરગઠીયા અને દેવાભાઈ માલમ, સહિત પદાધિકારીઓ, મહાનુભાવો, વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ, યોજનાના લાભાર્થીઓ, સ્થાનિક નાગરિકો તથા સીદી સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati