રાજયમાં તા.6 એપ્રિલ સુધી માવઠાની હવામાન વિભાગની આગાહી: આજે રાજકોટ, જામનગર, દ્વારકા, સોમનાથ, મોરબીમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા: તંત્ર એલર્ટ
રાજયમાં ભરૂઉનાળે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર- કચ્છમાં તા.6 એપ્રિલ સુધી જામનગર, દ્વારકા, ભુજ, રાજકોટ, પોરબંદર, સોમનાથ, દીવ, મોરબી સહીતના પંથકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
ત્યારે ગુરૂવારે હનુમાન જયંતીના દિવસે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો છે. જામનગર- લાલપુર પંથકમાં કરા પડયા હતા. જયારે ભાટીયા, જામખંભાળીયા સહીતના વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠું પડયું હતું. જયારે રાજકોટ, સોમનાથ, મોરબી, જુનાગઢ સહીતના પંથકોમાં વાદળીયું વાતાવરણ જોવા મળ્યું હતું. ભાટીયામાં અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
રાજકોટના વાતાવરણમાં ગુરૂવારે પલટો આવ્યો હતો. બપોરે સુધી તડકો રહ્યા બાદ અચાનક વાદળીયું વાતાવરણ થઇ ગયું હતું. લોકોને આકરી ગરમીમાંથી મુક્તિ મળી હતી. આજે રાજકોટમાં છુટાછવાયા વરસાદની આગાહી હવમાન ખાતાએ વ્યકત કરી છે.
જામનગર
જામનગર શહેરમાં આજે બપોર બાદ અચાનક હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. સવારથી ગરમી અને ઉકળાટ વચ્ચે અચાનક જ આકાશમાં વાદળછાયા છવાઈ ગયા હતા. ત્યારબાદ ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડતા શહેરમાં ધૂપછાંવ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
હવામાનમાં આવેલા આ બદલાવને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ધૂળના વંટોળ ઊડ્યા હતા, અને લોકો થોડો સમય માટે તકલીફમાં મુકાયા હતા.
અચાનક પડેલા ઝાપટાંને કારણે ગરમીમાંથી લોકોને થોડી રાહત મળી હતી, પરંતુ સાથે જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ઉકળાટ ફરી અનુભવાયો હતો. હવામાન વિભાગ મુજબ આવી પરિસ્થિતિ આગામી થોડા સમય સુધી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
શહેરમાં હવામાનના આ બદલાવને કારણે દૈનિક જીવન પર થોડો અસર જોવા મળી છે.
જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ બપોર દરમિયાન છુટા છવાયા વરસાદી છાંટા પડ્યા હતા. લાલપુર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં હવામાનમાં બદલાવ આવ્યો હતો, અને ઝાપટા વરસ્યા હતા.
જામ ખંભાળિયા
ખંભાળિયા પંથકમાં આજે બપોરે એકાદ વાગ્યે બદલાયેલા વાતાવરણ વચ્ચે વરસાદનું જોરદાર ઝાપટું વરતી જતા માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. વરસાદના પગલે વાતાવરણ ઠંડુગાર બની રહ્યું હતું. વરસાદ વરસતા વીજ પુરવઠો ખોરવાઈ જવાથી નગરજનો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. આજે જિલ્લામાં ધૂપછાંવભર્યો માહોલ રહ્યો હતો અને કાળઝાળ ગરમીથી લોકોને મુક્તિ મળી હતી. દ્વારકા પંથકમાં પણ સવારે આશરે 11 વાગ્યે વરસાદનું જોરદાર ઝાપટું વરસી ગયું હતું. બપોરે બે થી ચાર દરમિયાન કલ્યાણપુર તાલુકામાં પણ ભારે ઝાપટા રૂપે વરસાદ વરસતા માર્ગો પાણી ચાલી નીકળ્યા હતા. આ સાથે ખંભાળિયા સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. સરકારી ચોપડે ખંભાળિયામાં 4 મી.મી., કલ્યાણપુરમાં 3 મી.મી. અને દ્વારકા તાલુકામાં 2 મી.મી. વરસાદ નોંધાયો છે. આ કમોસમી માવઠાના કારણે ધરતીપુત્રોને નુકસાની થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભાટિયા
ભાટિયામાં બપોરે 12-30 વાગ્યે થી ભારે પવન તેમજ ગાજ વિજ સાથે અડધા ઈંચથી વધુ માવઠા સાથે વરસાદ પડતાં રોડ પરથી પૂર શરૂ થઈ ગયા હતા અને ઠેર ઠેર પાણી પાણી થય ગયૂ હતૂ અને ઉનાળામાં ચોમાસા જેવૂ ઠંડૂ વાતાવરણ થઇ ગયું હતું.
ચંદ્ર ફરતે વલય દેખાતા કુતૂહલ
ખંભાળિયાના આકાશમાં ગઈકાલે રાત્રે એક અલૌકિક નજારો જોવા મળ્યો હતો. જેમાં ચંદ્રની ફરતે ગોળ વલય દેખાતા આ અંગેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ખંભાળિયા વિસ્તારના નભમાં ગઈકાલે બુધવારે રાત્રિના સમયે આકાશમાં રહેલા ચાંદાની આજુબાજુ વલય (ગોળ કુંડાળું) જોવા મળ્યું હતું. જે નિહાળીને ખંભાળિયાવાસીઓ આશ્ચર્યચકિત થયા હતા. આ ગોળ વલયના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ ખગોળીય ઘટનાએ લોકોમાં કુતૂહલ સાથે ચર્ચા જગાવી હતી.
જુનાગઢ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી બંધ
ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે રીતે ગોડાઉનમાં સુરક્ષિત રીતે રાખવા, માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતોએ અગોતરા સાવચેતી પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. અનાજ તથા ખેતપેદાશોને શેડ નીચે સુરક્ષિત રાખવા. શક્ય હોય તો આ દિવસો દરમિયાન વેચાણ અર્થે લાવવામાં આવતી પેદાશો ટાળવી અથવા સંપૂર્ણ સુરક્ષા સાથે રાખવી. આ સમય દરમિયાન ટેકાના ભાવે ખરીદી બંધ રહેવાની હોય, જેથી જણસ વેચવા જતા પહેલાં ખરીદ સેન્ટરનો સંપર્ક કરી આગોતરી માહિતી મેળવી લેવી, વધુ માહિતી કે માર્ગદર્શન માટે કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800-180-1551 પર સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

