બાઈક ટ્રકમાં 0॥ કિમી સુધી ઢસડાયું : ટ્રક ચાલકને ઝડપી લેવાયો
ભાવનગરના સિહોરના વડલા ચોક વિસ્તારમાં મોડી રાત્રે સોનગઢ તરફથી માતેલા સાંઢની માફક ધસમસતા આવેલા એક ટ્રક ચાલકે એક બાઈકને જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં 18 વર્ષના એક આશાસ્પદ મુસ્લિમ યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે બનાવ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સોનગઢ તરફથી આવી રહેલા ટ્રક નંબર: જીજે-11-ટી-6888ના ચાલક ભરતભાઈ હાદાભાઈ કુવાડિયાએ (રહે.
ખાખરીયા, તા. સિહોર) પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેફિકરાઈથી દોડતા આ ટ્રકે વડલા ચોક પોલીસ સ્ટેશન સામે જ બાઈક નંબર: જીજે-04-ઈસી-9287 પર સવાર અતિક લિયાકતભાઈ ઉં. વ.18 તથા અમન યુનુસભાઈ રાંધનપરાને કચડ્યા હતા.
અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ટ્રકની નીચે ફસાઈને અડધો કિલોમીટર સુધી ઢસડાયું હતું. આ અકસ્માતને કારણે ગંભીર ઈજાઓ થતાં અતિકનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ અમનને તાત્કાલિક ભાવનગર અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ રેફર કરવામાં આવ્યો છે. આ ઘટના પોલીસ સ્ટેશનની સામે જ બની હોવાથી ત્યાં હાજર પોલીસ જવાન અશોકસિંહ ગોહિલે તાત્કાલિક સ્ફૂર્તિ દાખવી પોતાનું સરકારી બાઈક ટ્રક પાછળ દોડાવ્યું હતું અને અકસ્માત સર્જી ભાગી રહેલા ટ્રક ચાલક ભરત કુવાડિયાને દબોચી લીધો હતો.
અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતા જ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત લોકોના વિશાળ ટોળેટોળાં ઘટનાસ્થળે અને સરકારી હોસ્પિટલે ઉમટી પડ્યા હતા. લોકોએ રોષે ભરાઈને ટ્રક ચાલક સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં સિહોર પોલીસ સ્ટેશનના અધિકારી મૌસમ મહેતા તથા સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ મામલે મૃતક યુવકના પિતા લિયાકતભાઈ ડેરેયાએ ફરિયાદ નોંધાવતાં સિહોર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ વિઠ્ઠલભાઈ ચૌહાણે હાથ ધરી છે.

