Dailyhunt
સુત્રાપાડાના કદવાર ગામે બોગસ ડોકટરનો પર્દાફાશ

સુત્રાપાડાના કદવાર ગામે બોગસ ડોકટરનો પર્દાફાશ

ડિગ્રી વગર દવાખાનું ચલાવી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા, પોલીસ રેડમાં સાધનો-દવાઓ સાથે ઝડપાયો

ગીર સોમનાથ જિલ્લામાં બોગસ ડોકટરો સામે પોલીસ દ્વારા કડક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેની વચ્ચે સુત્રાપાડા તાલુકાના કદવાર ગામમાંથી એક બોગસ ડોકટર ઝડપાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ડિગ્રી વગર દવાખાનું ચલાવી દર્દીઓને સારવાર આપતા ઈસમને પોલીસે રંગેહાથ ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો મુજબ, જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે કાર્યવાહી ગોઠવવામાં આવી હતી.એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઈ. ડી.એમ. કાગડા તથા પી.એસ.આઈ. આર.એસ. સુવાનીની ટીમ મેડિકલ અધિકારી પ્રવીતાબેન દાહીમાને સાથે રાખી કદવાર ગામે પહોંચી હતી. જ્યાં શંકાસ્પદ દવાખાને પર અચાનક રેડ કરવામાં આવી હતી.
રેડ દરમ્યાન શબ્બીર એમનભાઈ મહિડા (ઉંમર 36, રહે. પ્રભાસ પાટણ) નામનો ઈસમ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર એલોપેથીક દવાઓ આપી દર્દીઓને સારવાર આપતો ઝડપાયો હતો. તપાસમાં ખુલ્યું કે આરોપી લાંબા સમયથી ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતો હતો અને સ્થાનિક લોકો તેના પર વિશ્વાસ રાખીને સારવાર લેતા હતા.પોલીસે સ્થળ પરથી વિવિધ પ્રકારની એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ 11 નંગ સામગ્રી (કિંમત રૂ. 7,860) કબ્જે કરી હતી. આરોપી વિરુદ્ધ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોકટરોનો ખતરો
ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની મર્યાદિત સુવિધાઓને કારણે લોકો ઘણીવાર બોગસ ડોકટરોના ભરોસે રહેતા હોય છે. આવી સ્થિતિમાં અજાણતા લોકો પોતાના આરોગ્ય સાથે જોખમ લેતા હોય છે. નિષ્ણાતો મુજબ, ગેરકાયદેસર રીતે આપવામાં આવતી દવાઓથી ગંભીર સાઈડ ઇફેક્ટ્સ અથવા જાનહાની પણ થઈ શકે છે.ગીર સોમનાથ પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી પ્રવૃત્તિઓ સહન કરવામાં નહીં આવે. આવા તત્વો સામે સતત અભિયાન ચલાવી કડક કાર્યવાહી કરવામાં આવશે.લોકોએ પોતાની અને પરિવારની સુરક્ષા માટે હંમેશા માન્ય અને નોંધાયેલ ડોકટરોનો જ સંપર્ક કરવો જોઈએ તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati