Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સ્વાદિષ્ટ અને હેલ્ધી ફણગાવેલા મગની ટિક્કી: સ્વાદ સાથે વજન પણ ઘટશે!

સ્વાદિષ્ટ અને હેલ્ધી ફણગાવેલા મગની ટિક્કી: સ્વાદ સાથે વજન પણ ઘટશે!

જ્યારે પણ વજન ઉતારવાની વાત આવે ત્યારે લોકોને એવું લાગે છે કે ભાવતી વસ્તુઓ ખાવાનું છોડવું પડશે. ખાસ કરીને ચટાકેદાર ચાટ કે ટિક્કી જોઈને મોઢામાં પાણી આવી જાય, પણ ડાયેટના લીધે મન મારી લેવું પડે છે. હવે એવું કરવાની બિલકુલ જરૂર નથી! આજે આપણે ફણગાવેલા મગની એક એવી જોરદાર ટિક્કી બનાવતા શીખીશું, જે સ્વાદમાં તો એકનંબર છે જ, સાથે તમારું વજન ઘટાડવામાં પણ મદદ કરશે.

આ રેસીપી બનાવવામાં એકદમ આસાન છે.

જરૂરી સામગ્રી

  • ફણગાવેલા મગ: ૨ કપ
  • બાફેલા બટાકા: ૨ (મેશ કરેલા - બાઈન્ડિંગ માટે)
  • ડુંગળી: ૧ નાની (ઝીણી સમારેલી)
  • લીલા મરચાં: ૨ (ઝીણા સમારેલા)
  • આદુ-લસણની પેસ્ટ: ૧ ચમચી
  • કોથમીર: અડધો કપ (ઝીણી સમારેલી)
  • ચણાનો લોટ અથવા બ્રેડક્રમ્સ: ૨ થી ૩ ચમચી
  • ચોખાનો લોટ: ૧ ચમચી (ટિક્કીને ક્રિસ્પી બનાવવા માટે)
  • મસાલા: અડચી ચમચી હળદર, ૧ ચમચી લાલ મરચું પાવડર, ૧ ચમચી ચાટ મસાલો, અડચી ચમચી ગરમ મસાલો
  • મીઠું: સ્વાદ મુજબ
  • તેલ: શેકવા (શેલો ફ્રાય) કરવા માટે

બનાવવાની રીત

  • પગલું ૧: સૌથી પહેલા ફણગાવેલા મગને બરાબર ધોઈ લો. ત્યારબાદ મિક્સરના વાસણમાં પાણી નાખ્યા વગર તેને અધકચરા પીસી લો. ધ્યાન રાખવું કે તેની સાવ ઝીણી પેસ્ટ નથી બનાવવાની.
  • પગલું ૨: હવે આ પીસેલા મગને એક મોટા વાસણમાં કાઢી લો. તેમાં મેશ કરેલા બાફેલા બટાકા, સમારેલી ડુંગળી, લીલા મરચાં, કોથમીર અને આદુ-લસણની પેસ્ટ ઉમેરો.
  • પગલું ૩: ત્યારબાદ તેમાં હળદર, મરચું, ગરમ મસાલો, ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. ટિક્કી સરસ કડક બને તે માટે ચણાનો લોટ અને ચોખાનો લોટ ઉમેરી હાથથી બરાબર મિક્સ કરીને લોટ જેવું તૈયાર કરી લો.
  • પગલું ૪: હાથમાં થોડું તેલ લગાવી લો જેથી મિશ્રણ ચોંટે નહીં. હવે તેમાંથી થોડો ભાગ લઈ ગોળ અથવા લંબગોળ આકારની ટિક્કીઓ વાળી લો.
  • પગલું ૫: ગેસ પર નોન-સ્ટિક તવો ગરમ કરવા મૂકો અને તેના પર ૧-૨ ચમચી તેલ લગાવો. તવો ગરમ થાય એટલે ટિક્કીઓ ગોઠવી દો અને ધીમાથી મધ્યમ તાપ પર નીચેની બાજુ સોનેરી થાય ત્યાં સુધી ચડવા દો.
  • પગલું ૬: ટિક્કીની ઉપરની બાજુ પણ થોડું તેલ લગાવી તેને પલટાવી લો. બીજી બાજુ પણ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. બરાબર શેકાઈ જાય એટલે પ્લેટમાં કાઢી લો.
  • પગલું ૭: ગરમાગરમ ટિક્કીને ફુદીનાની લીલી ચટણી, આંબલીની ખાટી-મીઠી ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

વજન ઘટાડવામાં આ ટિક્કી કેવી રીતે મદદ કરે છે?

  • પ્રોટીન અને ફાઈબરનો ખજાનો: ફણગાવેલા મગમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને ફાઈબર હોય છે. તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર ભૂખ લાગતી નથી, જે ડાયેટિંગમાં ખૂબ મદદરૂપ છે.
  • પચવામાં સરળ: મગ ફણગાવ્યા પછી પચવામાં એકદમ હલકા બની જાય છે, જેનાથી શરીરને તેના પોષક તત્વો પૂરેપૂરા મળે છે અને પાચનતંત્ર સુધરે છે.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati