તાલાલા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર સંજયભાઈ શિંગાળા તથા ઘનશ્યામભાઈ ખાનપરા, કિસાન અગ્રણી છગનભાઈ કણસાગરાની ગુજરાત સરકારમાં ધારદાર રજૂઆત
તાલાલા પંથકના 45 ગામની ગ્રામીણ પ્રજા,ખેડૂતો ઉપરાંત ગીરના જંગલમાં વસવાટ કરતા સિંહો અને વન્ય પ્રાણીઓ માટે આશીર્વાદરૂપ ગીરના જંગલમાં છ દાયકા પહેલાં બંધાયેલ કમલેશ્વર ડેમની સૌની યોજનામાં સમાવેશ કરવા તાલાલા વિસ્તારમાંથી બુલંદ લોક માંગ ઉઠી છે.
તાલાલા પંથકની 45 ગામની પ્રજા વતી મુખ્યમંત્રી ને પાઠવેલ પત્રમાં તાલાલા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર સંજયભાઈ શિંગાળા(બોરવાવ ગીર)તથા ઘનશ્યામભાઈ ખાનપરા(વિરપુર ગીર), વરિષ્ઠ કિસાન અગ્રણી છગનભાઈ કણસાગરા (રમળેચી) એ જણાવેલ વિસ્તૃત વિગત પ્રમાણે સૌની યોજના સતાધાર પાસેના આંબાજળ ડેમ સુધી પહોંચી છે.આંબાજળ ડેમથી કમલેશ્વર ડેમ માત્ર સાત કિ.મી દૂર છે જેમાં આંબાજળ ડેમથી મોટા ભલગળા માત્ર છ કિ.મી દૂર છે જેમાં ચાર કિ.મી વિસ્તાર રેવન્યુ આવે છે.બે કિ.મી વિસ્તાર પી.એફ વિસ્તાર આવે છે જે સત્ય હકીકત સ્થળ ઉપરની છે છતાં પણ સૌની યોજના માંથી કમલેશ્વર ડેમની બાદબાકી કરવામાં આવેલ છે જે તાલાલા વિસ્તાર તથા ગીરના જંગલમાં વસવાટ કરતા અગણિત વન્યપ્રાણીઓ માટે અન્યાયકારક અને આફતરૂપ છે…કમલેશ્વર ડેમના જીવંત 750 એમ.સી.એફ.ટી.પાણીના જથ્થા પૈકી 100 એમ.સી.એફ.ટી પાણી સિંહો માટે રિઝર્વ રાખવામાં આવે છે.આ વર્ષે ગીરના જંગલમાં જુજ પ્રમાણમાં વરસાદ થયો હોય અત્યારે ડેમમાં 28 ટકા જમા રહેલ પાણી સિંહો તથા વન્ય પ્રાણીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે…સૌની યોજનાથી વંચિત કમલેશ્વર ડેમનું વિના વિલંબે સ્થળ સર્વે કરાવી સૌની યોજનામાં સમાવેશ કરી સૌને યોગ્ય ન્યાય આપવા તાલાલા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરોએ સરકારમાં માંગણી કરી છે.
તાલાલા પંથકની પ્રજાના પ્રાણ પ્રશ્નો ને વાંચા આપવા ચળવળ શરૂ
તાલાલા પંથકની પ્રજા તથા ખેડૂતો ઉપરાંત ગીરના જંગલમાં વસવાટ કરતા સિંહો ઉપરાંત અગણિત વન્ય પ્રાણીને સરળતાથી પીવાનું પાણી આપવા ગીરના જંગલમાં આવેલ કમલેશ્વર ડેમનો સૌની યોજનામાં સમાવેશ કરવાનો તાલાલા વિસ્તારની પ્રજાના પ્રાણ પ્રશ્નોનું સુખરૂપ નિવારણ લાવવા ગીર પંથકમાં સ્વયંભૂ લોક ચળવળ શરૂ થઈ છે. આગામી દિવસોમાં તાલાલા વિસ્તારને થયેલ હળહળ અન્યાય દૂર કરી યોગ્ય ન્યાય આપવાની માંગણી સાથે લોક સંમેલન નું આયોજન થઈ રહ્યાનું જાણવા મળે છે.

